Priyanka Gandhi advice to Modi on Nehru: 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં યોજાયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની વારંવાર થતી ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું હતું કે, ભૂતકાળને કોસવાને બદલે આપણે વર્તમાનના સળગતા પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. તેમણે પડકાર ફેંક્યો હતો કે નેહરુની ટીકાઓ પર એકવાર અને કાયમ માટે (Once and for all) ચર્ચા કરી લો, જેથી ભવિષ્યમાં આપણે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર વાત કરી શકીએ.
‘તમે જેટલા વર્ષ સત્તા ભોગવી, એટલા વર્ષ નેહરુ જેલમાં રહ્યા’
પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં ઐતિહાસિક તથ્યો ટાંકીને વડાપ્રધાન મોદીની ટીકાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદી છેલ્લા 12 વર્ષથી સત્તા પર છે. આ લગભગ એટલો જ સમયગાળો છે જેટલો સમય જવાહરલાલ નેહરુએ દેશની આઝાદીની લડાઈ દરમિયાન જેલના સળિયા પાછળ વિતાવ્યો હતો." તેમણે ઉમેર્યું કે આઝાદી બાદ નેહરુએ 17 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી અને દેશ માટે જ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા.
‘જો નેહરુ ન હોત, તો મંગળયાન કે તેજસ પણ ન હોત’
ભાજપ દ્વારા વારંવાર નેહરુની ટીકા કરવામાં આવે છે, તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ નેહરુના વિઝન અને સંસ્થાઓના નિર્માણને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, "તમે ભલે નેહરુની ગમે તેટલી ટીકા કરો, પણ સત્ય એ છે કે જો નેહરુએ ISRO નો પાયો ન નાખ્યો હોત, તો આજે ભારત પાસે 'મંગળયાન' ન હોત. જો DRDO શરૂ ન કર્યું હોત, તો આજે આપણી પાસે 'તેજસ' ફાઈટર જેટ ન હોત. જો તેમણે IIT અને IIM જેવી સંસ્થાઓ ન બનાવી હોત, તો આપણે આઈટી સેક્ટરમાં આટલા આગળ ન હોત. એટલું જ નહીં, જો AIIMS ન હોત તો આપણે કોવિડ-19 જેવી મહામારીનો સામનો કેવી રીતે કર્યો હોત?"
‘એક લિસ્ટ બનાવો અને હિસાબ પૂરો કરો’
સંસદનો સમય બરબાદ ન કરવાની સલાહ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "રોજ-રોજ નેહરુને કોસવા કરતા એક કામ કરો. તમે નેહરુના અપમાન અને તેમની કથિત ભૂલોનું એક લિસ્ટ બનાવી લો. ભલે તે લિસ્ટમાં 999 ભૂલો હોય કે 9,999. આપણે તેના પર એક લાંબી ચર્ચા ગોઠવીએ." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જેમ વંદે માતરમ પર 10 કલાક ચર્ચા ચાલી રહી છે, તેમ અમે નેહરુ પર પણ ચર્ચા કરવા તૈયાર છીએ. પણ શરત એ છે કે એકવાર ચર્ચા કરીને આ પ્રકરણ કાયમ માટે બંધ કરી દો.
હવે અસલી મુદ્દા પર આવો: મોંઘવારી અને બેરોજગારી
પ્રિયંકા ગાંધીએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે જનતાએ આપણને કામ કરવા માટે ચૂંટ્યા છે. "ચાલો, એકવાર ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, વંશવાદ અને નેહરુની ભૂલો પર મન ભરીને ફરિયાદો કરી લઈએ અને પછી તેને ત્યાં જ સમાપ્ત કરીએ. જેથી કરીને આપણે દેશના યુવાનોની બેરોજગારી અને સામાન્ય માણસને નડતી મોંઘવારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરી શકીએ."
બંગાળ ચૂંટણીને કારણે ‘વંદે માતરમ’ યાદ આવ્યું?
પ્રિયંકા ગાંધીએ આ ચર્ચાના ટાઈમિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેથી જ સરકાર અચાનક 'વંદે માતરમ' પર સંસદમાં ચર્ચા કરાવી રહી છે. તેમણે આ સમગ્ર કવાયતને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી.