નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત કરવામાં આવેલી સીઝફાયરના ઉલ્લંઘન પર ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈકમિશનના પ્રમુખને સમન આપી સખ્ત વાંધો ઉઠાવ્યો છે. ભારતે ચેતવણી સાથે કહ્યું કે, પાકિસ્તાન નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવાનું બંધ કરે.


જમ્મૂ-કાશ્મીરના કૃષ્ણાઘાટી સેક્ટરમાં પાકિસ્તાને શુક્રવારે રાતે સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં 3 નાગરિકોના મોત થયા હતા. જેને લઈને ભારતે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાની ગોળીબારનો શિકાર બનેલા ત્રણેય નાગરિક એકજ પરિવારના હતા. ભારતે નાગરિકોના મોત મામલે સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

ભારતે એ વાત પર વાંધો ઉઠાવ્યો કે, પાકિસ્તાની સેના દ્વારા જાણીજોઈને ભારતીય નાગરિકોને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ વિદેશ મંત્રાલયે વાંધો નોંધાવતા એ પણ કહ્યું કે, સરહદ પર આતંકવાદી ઘૂસણખોરી પાક દ્વારા સતત સમર્થન આપવામાં આવી રહ્યું છે અને સરહદ પર થનારી ફાયરિંગ આતંકીઓને ઘૂસણઘોરીને કવર આપવા માટે જ કરવામાં આવે છે.

વિદેશ મંત્રાલય અનુસાર, 2020માં પાક સેનાએ અત્યાર સુધી 2711થી વધુ વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં 21 ભારતીયના મોત થયા છે અને 94 ઘાયલ થયા છે.