નવી દિલ્લી: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં એક દૂરસ્થ વિસ્તારમાં એક મિનીબસ પર્વત ઉપરથી ખસકીને નદીમાં પડી હતી. જેના કારણે 23 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદના 45 કિલોમીટર ઉત્તરમાં નૌસેહરીમાં શુક્રવારના સાંજે મિનીબસના ચાલકે વાહન પર નિયંત્રણ ગુમાવતા બની હતી. સ્થાનીક બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, વાહન રસ્તા ઉપરથી ખસકીને 100 મીટર નીચે નદીમાં ખાબકી હતી. સ્થાનીક સરકારના અધિકારી અશફાક ગિલાનીએ કહ્યું, “બસ દુર્ઘટનામાં 23થી વધુ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.”

તેમને કહ્યું, “અમને માત્ર ત્રણ લાશ અને ત્રણ ઘાયલ લોકો મળ્યા છે. વાહનમાં સવાર 20થી વધુ લોકો અને બસનો કાટમાળ નદીમાં વહી ગયો છે. ગિલાનીએ કહ્યું, ‘અમે ગુમ લોકોને મૃત માની લીધા છે કારણ કે તેમના જીવિત બચવાની કોઈ આશા નથી.’ બચાવ અધિકારીઓએ કહ્યું કે, આ સ્થાન પર બચાવ કાર્ય કરવું મુશ્કેલ છે અને શેષ યાત્રીઓની શોધખોળનું કામ શનિવારે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. જાનલેવા ટ્રાફિક દુર્ઘટનાઓમાં પાકિસ્તાનનો રેકોર્ડ વિશ્વમાં સૌથી ખરાબ દેશોમાં રહ્યો છે. તેના માટે ખરાબ રસ્તાઓ, જર્જર વાહનો અને બેદરકારીભર્યા વાહન ચલાવવા જેવા કારણ જવાબદાર છે.