કાશ્મીરઃ જમ્મુ કાશ્મીર મુદ્દા પર વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન લાઇન ઓફ કંન્ટ્રોલ પર વધુ એક બ્રિગેડની તૈનાતી કરી રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એલઓસીના બાગ અને કોટલી સેક્ટર નજીક સૈનિકોની તૈનાતી કરી રહ્યું છે. ભારતીય સૈન્ય સૂત્રોના મતે પાકિસ્તાને એલઓસીના 30 કિલોમીટરના દાયરામાં આ સૈનિકોની તૈનાતી કરી છે.


સૂત્રોના મતે હાલમાં પાકિસ્તાને આ સૈનિકોને આક્રમક પોઝીશન પર તૈનાત નથી કર્યા. પરંતુ અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. સૂત્રોના મતે પાકિસ્તાની સૈન્યએ એવા સમયમાં મૂવમેન્ટ વધારી છે જ્યારે વિસ્તારમાં ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ સ્થાનિક અને અફઘાન યુવાઓને આતંકની ટ્રેનિંગ આપવાનું કામ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે.

ભારતીય સૈન્યના સૂત્રોના મતે વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 2000ની નજીક છે. પાકિસ્તાની સૈન્યએ એવા સમયમાં એલઓસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે જ્યારે તે કાશ્મીરમા એકવાર ફરી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તે સિવાય પાકિસ્તાન દુનિયાભરનું ધ્યાન કાશ્મીર મુદ્દા તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.