Pakistan Blast: પાકિસ્તાનના લાહોરમાં એક બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. લાહોરના અનારકલી વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. જાણકારી અનુસાર બોમ્બ વિસ્ફોટમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે મેયો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
‘ધ ડોન’ અનુસાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. લાહોર પોલીસના પ્રવક્તા રાણા આરિફે મોત અને ઇજાગ્રસ્તોની સંખ્યાની પુષ્ટી કરી છે. જ્યારે પાકિસ્તાનમાં પંજાબ પ્રાન્તના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે આ ઘટનાને લઇને પોલીસને એક રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ લોકોને તમામ મેડિકલ સુવિધા ઉપબલ્ધ કરવાના પણ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ માર્કેટ ઘણી જ ભીડ હોય છે અને અહીં એક બાઈક પાર્ક કરાયેલી હતી, જેમાં જ IED લગાડવામાં આવ્યો હતો. આ ઘટનાની હજુ સુધી કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી, પરંતુ પહેલી શંકા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP પર છે.
પાકિસ્તાની રાજકીય પક્ષના નેતાઓએ ઘટનાની નિંદા કરી છે. પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે કહ્યું કે અનારકલી જેવા વિસ્તારમાં થયેલો વિસ્ફોટ દુઃખદ અને પરેશાન કરનારો છે. ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે પ્રાર્થના કરી.