નવી દિલ્હીઃ ભીષણ પૂરનો સામનો કરી રહેલા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ એક અનોખી પહેલ શરૂ કરી છે જેને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ બુધવારે જાહેરાત કરી હતી કે જે કંપની પૂરથી નષ્ટ થયેલા કોઇ ગામને પુનવર્સન માટે 10 કરોડ રૂપિયા આપશે તેના નામ પર ગામનું નામ રાખવામાં આવશે. યેદિયુરપ્પાની આ જાહેરાત રાજ્ય સરકાર માટે ભંડોળ એકઠુ કરવાની એક રીત માનવામાં આવે છે. નોંધનીય છે કે ભારે વરસાદના કારણે રાજ્યના ઓછામાં ઓછા 22 જિલ્લામાં ભીષણ પૂર જેવી સ્થિતિ છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરના કારણે 200 ગામને અન્ય સ્થળોએ વસવું પડ્યું છે. જેને જોતા યેદિયુરપ્પાએ ઓછામાં ઓછા 60 ઉદ્યોગપતિઓની બેંગલુરુમાં મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી ઓફિસ તરફથી જાહેર એક નિવેદનમાં કહ્યું કે, રાહત અને પુનવર્સન કાર્ય ચલાવવા માટે જે ગામને જે કંપની પૈસા આપશે તે ગામને તે કંપની દ્ધારા દતક લીધેલું ગામ માનવામાં આવશે. વિવિધ સ્ત્રોતોથી અત્યાર સુધીમાં મુખ્યમંત્રીને લગભગ ચાર કરોડ રૂપિયા ડોનેશન મળ્યું છે. રાજ્ય સરકારના આ પગલાની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઇ રહી છે. અનેક લોકોએ ટ્વિટ કરી રહ્યા છે કે હવે કર્ણાટકમાં ગામના નામ અંબાણી, અદાણી અને ટાટા હશે.
આ વચ્ચે રાજ્યમાં વરસાદનો કહેર છે. કર્ણાટકમાં વરસાદ અને પૂર સંબંધી ઘટનાઓમાં મરનારા લોકોની સંખ્યા વધીને 61 થઇ ગઇ છે. અધિકારીઓ કહ્યું કે, જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યુ છે તથા દરિયા કિનારાના મલનાડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના પ્રભાવિત જિલ્લામાં સ્થિતિ સારી થઇ છે.
રાજ્યમાં 1160 રાહત શિબિર બનાવવામાં આવ્યા છે જ્યાં લગભગ ચાર લાખ લોકોને સ્વચ્છ પીવાનું પાણી, ભોજન અને અન્ય સામગ્રીઓ પહોંચાડવામાં આવી રહી છે. 22 જિલ્લાના 103 તાલુકા પૂરથી પ્રભાવિત થયા છે. જેનાથી 4.58 લાખ હેક્ટર ક્ષેત્રમાં કૃષિ અને ફળોને નુકસાન પહોંચ્યુ છે અને 56,381 ઘરને નુકસાન પહોંચ્યું છે.