મુંબઈ:  મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ પોલીસના કમિશ્નર પરમબીર સિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.  હવે તેમની જગ્યાએ હેમંત નગરાલેને મુંબઈ પોલીસના કમિશ્નર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.


 


તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સરકારે મોટો નિર્ણય લીધો છે.  હેમંત નગરાલે નવા મુંબઈ પોલીસ કમિશ્નર  તરીકે નિમણૂંક કરવામાં આવી છે.  રજનીશ સેઠને મહારાષ્ટ્ર પોલીસના ડીજીપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરબીર સિંહ પાસે હોમગાર્ડની જવાબદારી રહેશે. 
 


ઉલ્લેખનીય છે કે, એન્ટીલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ બાદથી જ પરમબીર સિંહ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતા. તેમને હટાવવાની અટકળો પણ ચાલી રહી હતી. 


મંગળવારે રાત્રે પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે ગયા મહિને વિસ્ફોટક ભરેલી એસયૂવી જપ્ત થયા બાદ આ કેસમાં NIAએ મદદનીશ પોલીસ કમિશ્નર સહિત ક્રાઈમ બ્રાન્ચના સાત અધિકારીઓના નિવેદન નોંધી ચૂક્યું છે. 



સોમવારે પોલીસ અધિકારી સચિન વાજેના ઓફિસની તપાસ કરવામાં આવી હતી.  મંગળવારે મોડી રાત્રે NIAએ કહ્યું હતું કે, વાજે જે મર્સિડીઝ કારનો ઉપયોગ કરતા હતા તેને જપ્ત કરવામાં આવી છે. કારમાંથી પાંચ લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.