Parliament Budget Session: રાજ્યસભામાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ (રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે) મુદ્દે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપ પુરીને પુછવામાં આવેલા પ્રશ્ન અંગે હરદીપ પુરીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર સતત ગ્રાહકો પર પડી રહેલા ભાર અંગે પગલાં લઈ રહી છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે કંપનીઓ જ નક્કી કરે છે. 


હરદીપ પુરીએ કહ્યું કે, આપણી તેલ કંપનીઓ અને સરકાર સતત રશિયન ફેડરેશન અને બીજા નવા માર્કેટ સાથે વાતચીત કરી રહી છે. આશા છે કે, જલ્દી જ નવા બજારો ખુલશે અને પેટ્રોલ-ડીઝલ અંગેની અસમંજસની સ્થિતિ દૂર થશે.


GST અને પેટ્રોલ-ડીઝલના ભાવઃ


કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે, જ્યારે જીએસટી લાવવામાં આવ્યું ત્યારે ચર્ચા હતી કે પેટ્રોલિયમ ઉત્પાદનોને પણ તેમાં સમાવેશ કરાશે. આ વિશે હરદીપ પુરીએ કહ્યું કે, આ મામલે જીએસટી કાઉન્સિલ હેઠળ આવે છે. અને આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી પણ ચર્ચા આગળ નહોતી વધી શકી. ઘણા રાજ્યો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવા તૈયાર નથી. આ રાજ્યોએ પણ નક્કી કરવું પડશે.


સરકારનો ભાવ પર કાબૂઃ


કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકાર નક્કી કરે છે. જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાવ નથી વધતા અને જ્યારે ચૂંટણી પુરી થાય છે ત્યારે ભાવ વધી જાય છે. આ પરથી ખબર પડે છે કે સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર ગેરકાયદે કબ્જો ધરાવે છે. આ મુદ્દે હરદીપ પુરીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ પર સરકારનો કોઈ કબ્જો નથી. કંપનીઓ આંતરરાષ્ટ્રીય ભાવો પ્રમાણે ભાવ નક્કી કરે છે. આપણા દેશમાં તો પાંચેય વર્ષ ચૂંટણીઓ રહે છે. હાલ ચૂંટણીઓ પુરી થઈ છે તો ફરીથી વર્ષની શરુઆતમાં ચૂંટણી આવશે.