નવી દિલ્લી: નોટબંધીને લઈને સંસદના બંને સદનોમાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષ સતત કેંદ્ર સરકાર વિરૂદ્ધ નારા લગાવી રહી છે. લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મોત થયા છે. એવામાં પીએમ મોદીએ આવીને ગૃહમાં જવાબ આપવો જોઈએ.

વિપક્ષની ઘેરાવ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે અમારી સરકારનો આ નિર્ણય કાળાધનની વિરૂદ્ધ એક જંગ છે. અને કોઈએ આ અંગે સવાલ ઉઠાવ્યા નથી. તેમણે કહ્યું કે પીએમ આ ચર્ચામાં હસ્તક્ષેપ કરવા તૈયાર છે.

લોકસભામાં ગૃહમંત્રીએ કહ્યું કે આ રાષ્ટ્રહિતમાં લેવાયેલો ક્રાંતિકારી, સાહસિક અને ગરીબોની ભલાઈમાં લેવાયેલો નિર્ણય છે.

લોકસભામાં વિપક્ષ કાર્યસ્થગન પ્રસ્તાવ હેઠળ નોટબંધીના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહ્યું છે. તો રાજ્યસભામાં વિપક્ષ પીએમ મોદીની હાજરીમાં ચર્ચા કરવા અને તેમના જવાબની માંગ કરી રહ્યું છે. ઉલ્લખનીય છે કે રાજ્યસભામાં 16 નવેમ્બરે નોટબંધી પર ચર્ચા શરૂ થઈ હતી જે અત્યાર સુધી પુરી થઈ શકી નથી.