નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ઘણાં લાબા સમયથી સસંદનું કામ અટ્યું છે. સંસદનું ચોમાસુ સત્ર હવે 14 સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહ્યું છે. ભારતીય સંસદના ઇતિહાસમાં 1952 પછી પહલીવાર ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ યોજાશે નહીં. 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલતા આ સત્રમાં એકપણ રજા રહેશે નહીં.


પ્રશ્નોત્તરી કાળને રદ્દ કરવાને લઈ થઈ રહેલી ટીકા વચ્ચે સરકારે બુધવારે કહ્યું કે, તેઓ કોઈ પણ ચર્ચાથી ભાગી નથી રહ્યા. તમામ વિપક્ષને આ પગલા અંગે પહેલાથી જણાવી દેવામાં આવ્યું હતું અને મોટાભાગના તેમાં સહમત હતા. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર અતારાંકિત પ્રશ્નો માટે તૈયાર છે. અતારાંકિત પ્રશ્નો એવા પ્રશ્ન હોય છે જેનો લેખિત જવાબ મંત્રીઓ  તરફથી આપવામાં આવે છે. જ્યારે તારાંકિત પ્રશ્ન એવા હોય છે જેનો જવાબ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં મૌખિક રીતે આપવાનો હોય છે.

પ્રહલાદ જોશીએ કહ્યું, અમે કોઈ ચર્ચાથી ભાગી નથી રહ્યા અને તમામ મુદ્દા કે વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. જેનો નિર્ણય કાર્યમંત્રણા સમિતિમાં લેવામાં આવશે. ચોમાસુ સત્ર બે પાળીમાં ચલાવવામાં આવશે. બંને ગૃહના કાર્યવાહી દૈનિક આધારે યોજાશે. 14 સપ્ટેમ્બરે લોકસભા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 થી 7 વાગ્યા સુધી ચાલશે. 14 સપ્ટેમ્બર બાદ રાજ્યસભા સવારે 9 થી બપોરે 1 સુધી અને લોકસભા બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જાણકારી આપતા જણાવ્યું કે, સંસદના ચોમાસુ સત્રની શરુઆતના 72 કલાક પહેલાં સાંસદોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે. તેમજ મંત્રાલયના અધિકારીઓ, મીડીયા કે લોકસભા અને રાજ્યસભાના સચિવો અને કર્મચારીઓ સહિત ભવન પરિસરમાં પ્રવેશ લેનાર સંભવિત દરેક લોકોએ સત્ર શરૂ થતા પહેલાં કોરોના રિપોર્ટ કરાવવો પડશે. બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભામાં બેઠક વ્યવસ્થા કોવીડ-19ને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ હશે. સત્રનું આયોજન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.