નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિપક્ષના વિરોધ વચ્ચે ખેડૂતો સાથે સંકળાયેલા બે બિલ પાસ કરી દેવામાં આવ્યા છે. બિલ પર હંગામા વચ્ચે વિપક્ષી સાંસદોએ વેલમાં ધસી જઈ સૂત્રોચ્ચાર કર્યો હતો. રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશે તેમને સીટ પર ફરવા માટે કહ્યું હતું. કૃષિ બિલને લઈ ગૃહમાં હંગામા બાદ કાર્યવાહી કાલે સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.


સૂત્રોચ્ચાર કરીને વિપક્ષના સાંસદો ઉપસભાપતિના આસન સુધી પહોંચી ગયા હતા. કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર તે સમયે વિપક્ષના સવાલોના જવાબ આપતા હતા. હંગામાના કામે રાજ્યસભાની કાર્યવાહી થોડીવાર માટે અવરોધાઈ હતી.



દેશમાં ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોના વિરોધ વચ્ચે પણ કૃષિ બિલો લોકસભામાં પસાર થયા હતા. કૃષિ બિલના વિરોધમાં પંજાબ, હરિયાણામાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. આ બંને રાજ્યોમાં ખેડૂતોઓ રસ્તા પર ઉતરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

2020 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્રના દાવા પર કટાક્ષ કરતાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને રવિવારે રાજ્યસભામાં કહ્યું કે, 2028 પહેલા બમણી નહીં થાય. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા કૃષિ બિલ પર ચર્ચા કરતાં તેમમે કહ્યું, પ્રધાનમંત્રી કહે છે કે વિપક્ષ ખેડૂતોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. તમે 2020 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો. વર્તમાનમાં તે 2028 પહેલા નહીં થાય.