નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન સત્ર યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ સંસદ સત્રમાં એક પણ દિવસની રજા નહીં હોય. સત્ર દરમિયાન સંસદની સ્થાયી સમિતિની બેઠક યોદજાશે તો સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે સભ્યોની ઉપસ્થિતિમાં થશે.

લોકસભા સચિવાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ચુઅલ સત્રમાં પ્રશ્નકાળ નહીં હોય. એટલે કે સાંસદ સંબંધિત મંત્રીઓને સવાલ નહીં પૂછી શકે. પ્રશ્નોના જવાબ ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ કરાવાશે. સત્રમાં શૂન્ય કાળ, સ્પેશલ મેંશન અને નો કોન્ફિડેંસ મોશન જેવા પ્રસ્તાવ લાવવાનો વિકલ્પ છે. સચિવાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, બિલ અને વટહુકમોની કોપો સાંસદોને નહીં આપવામાં આવે. સાંસદોને ડિજિટલ કોપી અપાશે.

વર્ચુઅલ માધ્યમથી વિવિધ બિલ અને મુદ્દા પર ચર્ચા યોગ્ય રીતે થઈ શકે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ પક્ષ કે સાંસદ કોઈ પ્રસ્તાવના વિરોધમાં વોકઆઉટ કરવા ઈચ્છે તો તેના માટે વર્ચુઅલ વ્યવસ્થા હશે. જે અંતર્ગત પાર્ટી કે સાંસદ તેની સીટ પરથી ઉઠીને જતા રહેશે અને તેનું પ્રસારણ જોવા મળશે.

સત્ર શરૂ થતાં પહેલા સંસદમાં દરેક પક્ષ માટે જે રૂમ છે ત્યાં પ્રભારીને ટેકનિક અંગે ડેમો આપવામાં આવશે. સત્ર દરમિયાન ટેકનિકલ ટીમ પણ હાજર રહેશે. દરેક સાંસદને બોલવા માટેનો સમય નક્કી હશે અને આ સમય મર્યાદામાં જ પોતાની વાત રાખવી પડશે.