Parliament Special Session Live Updates: દેશની સંસદીય કાર્યવાહી આજથી નવા સંસદ ભવનમાં થશે. આજે ગણેશ ચતુર્થીના દિવસે આ નવા સંસદભવનના પણ શ્રી ગણેશ થશે. વાસ્તવમાં હાલમાં સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રનો પહેલો દિવસ ગઈકાલે જૂના સંસદ ભવનમાં થયો હતો, જ્યારે બીજા દિવસથી કાર્યવાહી નવા ભવનમાં થશે. આ ખાસ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ સવારે 9.30 વાગ્યે જૂના સંસદભવનના સેન્ટ્રલ હોલની સામે ફોટો સેશન થશે. આ પછી નવા સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યાથી વિશેષ કાર્યક્રમ શરૂ થશે. જેમાં સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે.






નવા સંસદભવનમાં આજથી વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જૂના સંસદ ભવનમાં સવારે 9:30 વાગ્યે લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું સંયુક્ત ફોટોશૂટ થશે. ગ્રુપમાં ત્રણ અલગ-અલગ ફોટા લેવામાં આવશે. પ્રથમ તસવીરમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો હાજર રહેશે અને બીજી તસવીરમાં રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહેશે. ત્રીજી તસવીરમાં માત્ર લોકસભાના સભ્યો હાજર રહેશે. PM મોદી સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચશે. 


બંધારણની કોપી સાથે ચાલતા નવા સંસદ ભવનમાં જશે


વડાપ્રધાનની સાથે લોકસભા અને રાજ્યસભાના વરિષ્ઠ મંત્રીઓ અને સાંસદો પણ હશે. આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમ થશે જેમાં 2047 સુધીમાં ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. પીએમ સેન્ટ્રલ હોલથી બંધારણની કોપી લઈને નવા સંસદભવન તરફ ચાલતા જશે. એનડીએના તમામ સાંસદો પીએમ મોદીને ફોલો કરશે. નવા સંસદ ભવનમાં બપોરે બરાબર 1.30 વાગ્યે કાર્યવાહી શરૂ થશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યાથી શરૂ થશે.


નવા સંસદ ભવનમાં પ્રથમ બેઠક દરમિયાન જ્યારે સાંસદો સંસદ ભવનમાં પ્રવેશ કરશે ત્યારે તેમને 75 રૂપિયાનો ચાંદીનો સિક્કો પણ ભેટમાં આપવામાં આવશે. તમામ સાંસદોને ભારતના બંધારણની કોપી પણ ભેટમાં આપવામાં આવશે.


સેન્ટ્રલ હોલમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પીયૂષ ગોયલ, મેનકા ગાંધી, શિબુસોરેન અને મનમોહન સિંહ સાંસદોને સંબોધશે.