Parliament Winter Session: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ અને અનામત સુધારા બિલ પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમિત શાહે સોમવારે (11 ડિસેમ્બર) ગૃહમાં કહ્યું, “સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે કલમ 370 એક અસ્થાયી સમાધાન હતું. જવાહરલાલ નેહરુનું કામ જેમને ગમે છે અને જેઓ તેમના વિચારોના સમર્થક છે તેઓને પણ તે પસંદ નથી. મારો પ્રશ્ન એ છે કે જો કલમ 370 એટલી જ જરૂરી હતી તો પછી તેને અસ્થાઈ કેમ કહેવામાં આવ્યું. જવાહરલાલ નેહરુએ પણ માત્ર અસ્થાયી જ બોલ્યા હતા. સુપ્રીમ કોર્ટે કલમ 370ને સ્થાઈ ગણાવનારાઓની વાતને ફગાવી દીધી.
તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં જમ્મુ અને કાશ્મીરના વિલયમાં વિલંબ થયો કારણ કે એક વ્યક્તિને (પંડિત જવાહરલાલ નેહરુ) આ જવાબદારી સોંપવામાં આવી હતી. કોંગ્રેસને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પણ વાંધો છે. હું તેમને (કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોને) સમજાવી શકતો નથી કારણ કે મારી મર્યાદા છે.
શું વાયદો કર્યો હતો ?
શાહે કહ્યું કે જે લોકો કહે છે કે કલમ 370 કાયમી છે તેઓ બંધારણ અને બંધારણ સભાનું અપમાન કરી રહ્યા છે. કલમ 370 નાબૂદ કરવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના બંધારણની કોઈ માન્યતા નથી. મેં પહેલેથી જ વચન આપ્યું છે કે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર શું કહ્યું ?
અમિત શાહે કહ્યું કે કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ પેદા થયો અને પરિણામે આતંકવાદ વધ્યો. તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકાર વિસ્થાપિત કાશ્મીરી લોકોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અમારું છે અને તેને કોઈ અમારી પાસેથી લઈ શકે નહીં. કાશ્મીરમાં અસમય યુદ્ધવિરામ ન થયો હોત તો પીઓકે ન હોત.
વિરોધ પક્ષો વિશે શું કહ્યું?
કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર પ્રહાર કરતા શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમના (વિપક્ષો) માટે મોટી હાર છે. કલમ 370ની જોગવાઈઓ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ પરિવારોએ સત્તા ભોગવી, 75 વર્ષથી લોકોને તમામ અધિકારોથી વંચિત રાખ્યા.