નવી દિલ્હીઃ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કથિત રીતે સોશિયલ મીડિયા મારફતે ઇન્ટરનેશનલ હસ્તક્ષેપ જેવા પ્રયાસો ભારતની લોકસભા ચૂંટણી દરમિયાન ના થાય તેવી માટે સંસદની એક સ્થાયી સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓને હાજર થવાનો આદેશ આપ્યો છે. સૂચના ટેકનિક પરની એક સંસદીય સમિતિએ ટ્વિટર બાદ હવે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓને હાજર થવાનો આદેશ આપ્યો છે. સંસદીય સમિતિએ તમામ કંપનીના અધિકારીઓને છ માર્ચના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સમિતિએ ટ્વિટરને કહ્યુ હતું કે, તે લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી પંચનો સહયોગ કરે.

આઇટી પર સંસદની સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સોમવારે જણાવ્યું કે, સમિતિની ટ્વિટરના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ કોલિન ક્રોવેલ અને માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના બીજા અધિકારીઓ સાથે લગભગ સાડા ત્રણ કલાક લાંબી બેઠક કરી હતી. ઠાકુરે કહ્યું કે, ટ્વિટરના અધિકારીઓએ ચૂંટણી પંચ સાથે વધુ સંપર્ક રાખવા અને મુદ્દાઓને રિયલ ટાઇમ બેસિસ પર ઉકેલ લાવવા કહ્યું છે. ,ટ્વિટરના અધિકારીઓએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કોઇ પણ પ્રકારના ઇન્ટરનેશનલ હસ્તક્ષેપ થવો જોઇએ નહીં.


ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના અધિકારીઓને છ માર્ચના રોજ સમિતિ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેટલાક દેશોમાં વિદેશી હસ્તક્ષેપના કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી નહી થવાના આરોપ લાગતા રહ્યા છે. આ સમિતિમાં 31 સભ્યો છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી પણ સામેલ છે. સમિતિમાં 21 સભ્ય લોકસભાના અને 10 સભ્યો રાજ્યસભાના છે.