નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું હતું. સંબોધનમાં કહ્યું કે, આવા સ્મારકની માંગ દેશમાં વર્ષોથી થતી આવી છે. વીતેલા વર્ષોમાં એક-બે વખત પ્રયત્ન પણ થયો પરંતુ કંઈ નક્કર પરિણામ ન આવ્યું.  તમારા આશીર્વાદથી વર્ષ 2014માં અમે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવાનું શરૂ કર્યુ અને આજે નક્કી સમય મર્યાદા પહેલા તેનું લોકાર્પણ થવાનું છે. આ સંકલ્પથી સિદ્ધીનું પણ પ્રતીક છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, સેનાને કમાણીનું સાધન બનાવી લીધી હતી.


દેશની ભૂમિકામાં સૈનિકના શૈર્ય અને સમર્પણનું યોગદાન છે. સૈનિકોએ હંમેશા પહેલો વાર તેમના પર લીધો છે. આપણી સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાંની એક છે. હું પુલવામાના શહીદોને નમન કરું છું મોદીએ એમ પણ કહ્યું કે, હવે આપણી સેના પહેલા કરતા વધારે આત્મનિર્ભર થઈ છે. આપણી સેના સરહદો પર શાંતિ જાળવી રાવા માટે કામ કરે છે. સેનામાં મહિલાઓની ભાગીદારી વધારવાની દિશામાં કામ થઈ રહ્યું છે.  2009માં સેનાએ 1.86 લાખ બુલેટપ્રુફ જેકેટની માંગ કરી હતી. 2009થી 2014 સુધી પાંચ વર્ષ વીતી ગયા પણ સેના માટે બુલેટપ્રુફ જેકેટ નહોતા ખરીદવામાં આવ્યા. અમારી સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં સેનાના જવાનો માટે બે લાખ ત્રીસ હજારથી વધારે બુલેટપ્રુફ જેકેટ ખરીદ્યા છે. જ્યારે અગાઉની સરકારે જવાનો માટે બુલેટપ્રુફ જેકેટની માંગની અવગણના કરી હતી.


ભારતમાં રાફેલ વિમાન ન આવી શકે તે માટે વિપક્ષોએ ખૂબ કોશિશ કરી પરંતુ આગામી થોડા મહિનાઓમાં જ્યારે રાફેલ દેશની સરહદોની રક્ષા માટે ઉડાન ભરતાં જોવા મળશે ત્યારે વિરોધીઓને જવાબ મળી જશે. સેના અને દેશની સુરક્ષાને અમુક લોકોએ પોતાની કમાણીનું સાધન બનાવી લીધું હતું. કદાચ તેમને શહીદોને યાદ કરવાથી કંઈ મળવાનું નહોતું, તેથી તેમને ભૂલી જવાનું યોગ્ય લાગ્યું હતું. બોફોર્સથી લઈ હેલીકોપ્ટર સુધી તમામ તપાસ એક જ પરિવાર સુધી પહોંચવી ઘણું બધું કહી જાય છે.


સેના માટે આધુનિક રાઇફલો ખરીદવા અને ભારતમાં બનાવવાનું કામ પણ અમારી સરકારે શરૂ કર્યું છે. તાજેતરમાં જ સરકારે 72 હજાર આધુનિક રાઇફલની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. ઉપરાંત અમારી સરકારે 25 હજાર કરોડ રૂપિયાના દારૂ ગોળો અને ગોળીઓના મિશન મોડમાં ખરીદ્યા છે.


મારું સ્પષ્ટ માનવું છે કે મોદી મહત્વપૂર્ણ નથી પરંતુ આ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને ઈતિહાસ સૌથી ઉપર છે. મોદી યાદ રહે કે ન રહે પરંતુ આ દેશના કરોડો લોકોનો ત્યાગ, તપસ્યા, સમર્પણ, વીરતા અને તેમની શૌર્યગાથા અમર રહેવી જોઈએ.