નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે, જેમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) બિલ પાસ થવાની સંભાવના છે.


મંત્રીમંડળની સંસદીય મામલોની સમિતિએ આજે મળેલી બેઠકમાં ચોમાસું સત્રની તારીખને સત્તાવાર રીતે જાહેર કરી હતી. સંસદીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસું સત્ર 18 જુલાઈ (સોમવાર)એથી શરૂ થશે અને 12 ઓગસ્ટ (શુક્રવાર) સુધી ચાલશે. રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી પછી મળી રહેલા સંસદીય સત્રમાં લોકો આતુરતાથી રાહ જોઈ રહેલા જીએસટી બિલને પાસ થવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસુ સત્ર પહેલા અઠવાડિયામાં જીએસટી બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે.

બંધારણ સંશોધન બિલ હોવાના કારણે જીએસટી બિલને પાસ કરાવવા માટે 245 સભ્યોમાંથી 164 રાજ્યસભાના સભ્યોની જરૂર પડે છે. વામમોર્ચે, તૃણમૂલ કોંગ્રેસ, બીજૂ જનતા પક્ષ અને અન્ય પક્ષોના સહયોગથી જીએસટી બિલ પાસ થવાની સંભાવના પ્રબળ બની છે.

સંસદીય કાર્ય મંત્રી એમ. વેંકૈયા નાયડૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીએસટી બિલને ચોમાસું સત્રમાં પાસ કરાવવામાં આવે, તેના માટે સરકાર તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરશે.