નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર કોરોના વાયરસના પ્રકોપના કારણે નિર્ધારિત સમયના 8 દિવસ પહેલા બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે, રાજ્યસભાની કાર્યવાહી બુધવારે પાંચ બિલ રજૂ થયા બાદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે.


લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નીચલા સદનની બેઠક બુધવારે બપોરે ત્રણ વાગ્યાની જગ્યાએ સાંજે છ વાગ્યે શરું થશે. સૂત્રો અનુસાર, શૂન્યકાળ સહિત કેટલાક વિષયો પર ચર્ચા બાદ નીચલા સદનની બેઠક પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે.

ગત 14 સપ્ટેમ્બરથી શરું થયેલા સત્રમાં બન્ને સદનોમાં અનેક વિધેયક પસાર કરવામાં આવ્યા છે. જેમા હાલમાં જ લાગુ કેટલાક અધ્યાદેશોની જગ્યા લેવા માટે લાવવામાં આવેલા વિધેયક પણ સામેલ છે.

સૂત્રોએ જણાવ્યું કે,સત્રને સમય પહેલા અનિશ્ચિતકાળ માટે સ્થગતિ કરવાના નિર્ણયથી નીચલા સદનમાં તમામ દળોના નેતાઓને સૂચના આપવામાં આવી છે. નક્કી કરેલા સમય અનુસાર ચોમાસું સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસમાં કેટલાક મંત્રીઓ સહિત અનેક સાંસદ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.