મુંબઇઃમહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી અને પરિવાર તૂટી ગયો છે. સુપ્રિયાએ વોટ્સએસ સ્ટેટ્સ મારફતે આ વાત કરી હતી. નોંધનીય છે કે તમામ અટકળો વચ્ચે મહારાષ્ટ્રમાં અજિત પવારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી.


સુપ્રિયા સુલેએ વધુ એક વોટ્સએપ સ્ટેટ્સમાં લખ્યું કે જીવનમાં કેવી રીતે કોઇના પર વિશ્વાસ કરીએ. જીવનમાં ક્યારેય મેં આટલા દગાનો અનુભવ કર્યો નથી. જેને આટલો પ્રેમ કર્યો, બચાવ કર્યો, જુઓ બદલામાં શું મળ્યું. બીજી તરફ શરદ પવારે સાડા ચાર વાગ્યે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. એનસીપીએ કહ્યું કે, ધારાસભ્યોના સમર્થનવાળી ચિઠ્ઠીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગાઉ શરદ પવારે કહ્યુ હતું કે, ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજિત પવારનો અંગત છે, એનસીપીનો નહીં. પવારે ટ્વિટમાં કહ્યું કે, અમે તેમના  (અજિત પવાર)ના નિર્ણયનું સમર્થન કરતા નથી.