ચંડીગઢ: ગુરુદાસપુરના પૂર્વ એસપી અને પઠાણકોટ હુમલાના સાક્ષી સલવિદંર સિંહ પર બળાત્કાર અને લાંચના આરોપ લાગ્યા છે. બુધવારે ગુરુદાસપુર પોલીસ સ્ટેશનમાં સલવિદંર સિંહ સામે ફરિયાદ નોંધાવામાં આવી. જેમાં ફરિયાદકર્તાએ જણાવ્યું કે, ‘પોતાને એક ખોટા કેસમાંથી બચાવવા માટે સલવિંદર સિંહે તેની પાસેથી પચાસ હજાર રૂપિયાની લાંચ લીધી તેમજ તેની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો.’ બે વર્ષ જૂના આ કેસ અંગેની ફરિયાદને પગલે ગુરુદાસપુર પોલીસે સલવિંદર સિંહ સામે ફરિયાદ દાખલ કરી છે. તો બીજી તરફ સલવિંદર સિંહ સામે પાંચ મહિલા કૉંસ્ટેબલે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જે અંગે તપાસ સમિતિ 5 ઑગસ્ટે તેમને હાજર થવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં પઠાણકોટ એરબેસ પર હુમલો થયો હતો. જેમાં સલવિંદર સિંહે દાવો કર્યો હતો કે, હુમલા પહેલા આતંકીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેમને વિના શરતે છોડી મૂક્યા હતા. અને આતંકીઓ સલવિંદરની જ ઓફિશિયલ કાર દ્વારા પઠાણકોટ પહોંચ્યા હતા. આ અંગે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજંસીએ તપાસ બાદ સલવિંદરને હુમલાના સાક્ષી બનાવ્યા હતા.