પટનાઃ ગૃહ મંત્રી અમિત સાહ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં જનસંવાદ રેલીને સંબોધન કરશે. આ રેલી સાજે 4 કલાકે વીડિયો કોન્ફરન્સથી થશે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આ રેલીને ચૂંટણી અભિયાનની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, ઓનલાઈન રેલી ભાજપના એક મહિના સુધી ચાલનારા અભિયાનનો હિસ્સો છે. જેમાં મોદી સરકારની ઉપલબ્ધીઓને ગણાવવામાં આવશે.

આરજેડી નેતાઓ રાબડી દેવી, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવે ગૃહ મંત્રી અમિત શાહની વર્ચુઅલ રેલી સામે સવારે 11 કલાકને 11 મિનિટે થાળી વગાડી અનોખી રીતે વિરોધ કર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને રાબડી દેવીના નિવાસ સ્થાન પર તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, આરજેડી કાર્યકર્તાઓ ગરીબ અધિકાર દિવસમાં સામેલ થયા હતા.


તેજસ્વી યાદવે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ મજૂરોના અધિકાર માટે 7 જૂને ગરીબ અધિકાર દિવસ મનાવશે. બીજેપીની રેલીના વિરોધમાં આરજેડી કાર્યક્રમ યોજશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મજૂરોને પ્રતાડિત કર્યા છે. લોકો ભૂખ્યા અને બેરોજગાર છે.

બિહારમાં સત્તાધારી જેડીયુએ આરજેડીના થાળી વગાડવાના અભિયાનનો તાળી વગાડીને જવાબ આપ્યો હતો. જેનું નેતૃત્વ બિહાર સરકારના મંત્રી નીરજ કુમારે કર્યુ હતું. તેમના નિવાસ સ્થાન પર જેડીયુ કાર્યકર્તાઓ દ્વારા આરજેડીને જવાબ આપવા તાળી વગાડી હતી.