મુંબઈઃ કોરોનાના કેર વચ્ચે મુંબઈમાં ગઈકાલે રાતે અનેક વિસ્તારમાં શનિવારે રાતે ગેસ દુર્ગંધની ફરિયાદ મળ્યા બાદ અફડાતફડી મચી ગઈ હતી. મામલાને ગંભીરતાથી લેતા બીએમસીએ ફાયર બ્રિગેડની ગાડીઓ જે વિસ્તારમાંથી ફરિયાદ મળી હતી ત્યાં મોકલી આપી હતી. મુંબઈના ચેમ્બૂર, ઘાટકોપર, કાંજુરમાર્ગ, વિક્રોલી અને પવઈમાંથી ફરિયાદો મળી હતી.


આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તેની હજુ સુધી કોઈ ખબર પડી નથી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યું કે, હાલત કાબૂમાં છે. તમામ જરૂરી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. ઘરની બારી અને દરવાજા બંધ રાખવાની સલાહ આપી હતી.


કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને લખ્યું, અમને ચેમ્બુર અને ચંદવલીમાંથી દુર્ગંધની જાણકારી મળી છે. બીએમસીનો કંટ્રોલ રૂમ દુર્ગંધનું કારણ શોધી રહ્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડ કામ પર લાગેલી છે. જેવા કોઈ સ્ત્રોતની ખબર પડશે, જાણકારી અપાશે.

આ મામલે બીએમસીએ કહ્યું, 17 ગાડી ફિલ્ડ પર છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કોઈને દુર્ગંધથી સમસ્યા થઈ રહી હોય તો નાકને ભીના કપડાંથી ઢાંકો, ગભરાવ નહીં અને બીજાને પણ ન ડરાવો.