નવી દિલ્હીઃ દિલ્હીમાં જ્યારથી દારૂની દુકાનો ખુલી છે ત્યારતી લોકોની ભીડ ઓછી થવાનું નામ જ નથી લેતી. દારૂની દુકાનો પર ઉમટતી લોકોની ભીડ સરકાર માટે ચિંતાનું કારણ બની હતી. જે બાદ ભીડને ઓછી કરવાના હેતુથી શુક્રવારે દિલ્હી સરકારે દારૂ પ્રેમીઓને ઈ ટોકન આપવા માટે એક વેબસાઈટ શરૂ કરી હતી. પરંતુ ભારે ટ્રાફિકના કારણે થોડા જ સમયમાં વેબસાઈટ બંધ થઈ ગઈ અને શરાબની દુકાનો પર ભીડ રહી હતી.


આ દરમિયાન દિલ્હીના ગોલ માર્કેટ સ્થિત દારૂની દુકાન બહાર લોકોએ તેમનો સામાન લાઈનમાં રાખી દીધો હતો. લોકોએ દારૂની દુકાન ખૂલતા પહેલા જ દુકાનની બહાર હેલ્મેટ, પાણીની બોટલ, બેગ તથા અન્ય સામાન ગોઠવી દીધો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ગોલ માર્કેટની આ તસવીર શેર કરી છે.


દિલ્હીમાં દારૂની દુકાન બહાર ભીડે સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોના ધજાગરા કર્યા હતા. અનેક જગ્યાએ દુકાનો ખૂલ્યા બાદ થોડા સમયમાં જ બંધ કરી દેવી પડી હતી. લોકોની ભીડને નિયંત્રિત કરવા દિલ્હી પોલીસે ખૂબ મહેનત કરવી પડી હતી.