ગઈકાલે  પુણેની MIT કોલેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રધાનમંત્રીએ વિવિધ વિકાસકાર્યોના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લોકોને કાર્યક્રમ પહેલાં તેમણે પહેરેલા કાળા રંગના માસ્ક, મોજા, શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. 


શું હતું કારણઃ


લોકોને કાળા કલરના માસ્ક, મોજા અને શર્ટ ઉતારવાનો આદેશ કેમ અપાયો હતો તેના વિશે માહિતી આપતાં પુણે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું કે, "કાર્યક્રમમાં કાળા ઝંડા ના લાવવા માટે આદેશ અપાયેલા હતા. પરંતુ કાળા રંગના ઝંડા અને કાળા કપડાં વચ્ચે ગેર સમજ ઉભી થઈ હતી. જો કે કાળા કપડાં ના પહેરવાં માટે કોઈ આદેશ નહોતો અપાયો." જો કે આ કાર્યક્રમ કવર કરવા માટે આવેલા એક પત્રકારે જણાવ્યું હતું કે, કાર્યક્રમના એક સુરક્ષા કર્મચારીએ તેમણે પહેરેલું કાળા રંગનું માસ્ક ઉતારવા માટે કહ્યું હતું.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે પુણેમાં એક દિવસની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે મેટ્રો રેલ પ્રોજેક્ટ, છત્રપતિ શિવાજીની પ્રતિમા, કાર્ટૂનિસ્ટ આર.કે લક્ષ્મણના જીવન પર આધારીત ગેલેરી અને સીમબાયોસીસ યુનિવર્સિટીની ગોલ્ડન જ્યુબલી ઉજવણીના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. 


કેમ થયો હતો વિરોધઃ


પ્રધાનમંત્રી મોદીની પુણે મુલાકાત પહેલાં કોંગ્રેસ અને NCPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ જણાવતાં કોંગ્રેસ અને NCP કાર્યકરોએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર રાજ્ય કોરોના વાયરસને બીજા રાજ્યો સુધી ફેલાવવા માટે પ્રોત્સાહન આપતું રાજ્ય કહીને મહારાષ્ટ્રનું અપમાન કર્યું હતું. આ વિરોધ શહેરના અલકા ટોકીઝ સહિતના અન્ય વિસ્તારમાં થયો હતો જેમાં કાળા ઝંડા સાથે પ્લેકાર્ડ પર ગો બેક મોદી જેવા સુત્રો લખીને રોડ પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


આ પણ વાંચોઃ


રશિયા-યુક્રેન યુદ્ધઃ પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે, જાણો શું છે એજન્ડા