પાંચ વર્ષ પૂરા કરશે NCP-શિવસેના-કોગ્રેસની સરકારઃ શરદ પવાર
abpasmita.in | 15 Nov 2019 08:01 PM (IST)
પવારે કહ્યું કે, રાજ્યમાં શિવસેના-કોગ્રેસ-એનસીપીની સરકાર બનશે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મહારાષ્ટ્રમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે.
મુંબઇઃ રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણીની સંભાવનાઓને ફગાવી હતી. શરદ પવારે કહ્યું કે, રાજ્યમાં શિવસેના-કોગ્રેસ-એનસીપીની સરકાર બનશે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મહારાષ્ટ્રમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે. તેમણે કહ્યું કે, ત્રણેય પક્ષ એક સ્થાયી સરકાર બનાવવા માંગે છે જે વિકાસ ઇચ્છે છે. પવારે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે વચગાળાની ચૂંટણીની કોઇ સંભાવના નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષ પૂરા કરશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું છે શું ભાજપ રાજ્યમાં સરકારની રચનાને લઇને એનસીપી સાથે ચર્ચા કરી રહી હતી જેના પર તેમણે કહ્યુ કે, તેમની પાર્ટી ફક્ત શિવસેના, કોગ્રેસ અને ગઠબંધન સહયોગીઓ સાથે વાત કરી રહી છે તે સિવાય કોઇ સાથે નહીં. પવારે કહ્યું કે, ત્રણેય પક્ષ હાલમાં કોમન મિનિમમ કાર્યક્રમ પર કામ કરી રહ્યા છે જે રાજ્યમાં સરકારની યોજનાઓ માટે માર્ગદર્શન આપશે. ત્રણેય પક્ષોના પ્રતિનિધિઓએ ગુરુવારે મુંબઇમાં મુલાકાત કરી અને સીએમપીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.