Rajasthan Karauli: રાજસ્થાનના કરૌલી જીલ્લામાં કર્ફ્યુ હજુ પણ યથાવત છે. ગત શનિવારે ફૂટા કોટ વિસ્તારની મુખ્ય બજારમાં રેલી દરમ્યાન થયેલા પથ્થરમારા પછી પોલીસે અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ કરી છે. સાથે જ પુછપરછ માટે પોલીસે 7 લોકોની અટકાયત પણ કરી છે. હિંદુ નવ વર્ષની ઉજવણી દરમ્યાન નિકળેલી આ રેલીમાં થેયલા પથ્થરમારા દરમિયાન કુલ 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાના તાર પીએફઆઈ સાથે જોડાતા દેખાઈ રહ્યા છે. કરૌલીની આ ઘટનાના બે દિવસ પહેલાં પીએફઆઈએ એક પત્ર પણ જાહેર કર્યો હતો.


પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા (PFI) રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ આસિફે જણાવ્યું કે, 2 થી 4 એપ્રિલ દરમ્યાન પ્રદેશના અલગ-અલગ જિલ્લાના વિસ્તારોમાં આરએસએસ અને તેના સહયોગી સંગઠનો તરફથી હિંદૂ નવ વર્ષની ઉજવણીના ભાગરુપે ભગવા રેલી આયોજીત કરવામાં આવી રહી છે. આ રેલીઓમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે અને કાયદો વ્યવસ્થા બગાડવા માટેની વાતો પણ થઈ રહી હતી. મોહમ્મદ આસિફે વધુમાં કહ્યું કે, આ વિશે મુખ્યમંત્રી અને પ્રદેશ પોલીસ નિર્દેશકને પત્ર લખીને પણ જાણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પીએફઆઈ રાજસ્થાનમાં સતત સક્રિય થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં કોટામાં પણ પીએફઆઈએ એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો.


શુ છે સમગ્ર મામલો? 
કરૌલી શહેરમાં ગત શનિવારે આ ઘટના બની હતી જ્યારે હિન્દુ સંગઠનો નવસંવત્સર પર આયોજીત એક બાઈક રેલી મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન કેટલાક ટીખળખોર તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને પછી હિંસા ભડકી ઉઠી હતી. કેટલાક તત્વોએ દુકાનો અને બાઈકોમાં આગ પણ ચાંપી હતી. આ ઘટનામાં ઘણી દુકાનો અને વાહનો સહિત માલ-સામાન આગમાં નાશ પામ્યો હતો. કરૌલીમાં રવિવારે પણ ઈન્ટરનેટ સેવા બંધ રહી હતી.


પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર હિંસાના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયોની તપાસ જયપુરમાં થઈ રહી છે. આ સાથે જ મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોતાના નિવાસ સ્થાને સમગ્ર ઘટનાની સમીક્ષા બેઠક પણ યોજી હતી. હાલ સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે 1200 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.