નવી દિલ્હી: દવા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે COVID 19 વેક્સીન 90 ટકા અસરકારક છે. એક સ્વતંત્ર ડેટા સમિતિ દ્વારા કરવામાં આવેલા વિશ્વેલેષણ મુજબ, ફાઈઝર અને જર્મન બાયોટેક્નોલોજી ફર્મ BioNTech દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સીન 90 ટકાથી વધારે અસરકારક હતી.

ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોરલાએ કહ્યું કે ત્રીજા તબક્કાના પરીક્ષણથી કોવિડ-19ને રોકવા માટે અમારી રસીની ક્ષમતાની ખબર પડી છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોવિડ 19 વૈશ્વિક મહામારીના કેસ પાંચ કરોડને પાર જતા રહ્યા છે. કોવિડ 19ના કેસ પર નજર રાખનારા અમેરિકી વિશ્વવિદ્યાલય જોન હૉપકિન્સના અનુસાર રવિવારે વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધીને 5.2 કરોડને પાર જતા રહ્યા. વિશ્વભરમાં વાયરસના 12 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે.

જોન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર કોવિડ 19થી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના 98 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 2,37,000થી વધુ લોકોના મોત થયા છે.

વિશ્વવિદ્યાલયના અનુસાર, અમેરિકામાં કોવિડ-19નો કહેર યથાવત છે, અહીં શનિવારે 1,26,000થી વધારે કેસ સામે આવ્યા હતા અને 1,000થીવધારે લોકોના મોત થયા હતા.