નવી દિલ્હીઃ રેલવે મંત્રી પિયુષ ગોયલે ઇલેક્ટોરલ બોન્ડને લઇને કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભ્રષ્ટાચાર ઓછો થયો છે. તેમણે કહ્યું કે, જે લોકો વડાપ્રધાન મોદી અને સરકાર પર આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકોએ ઇલેક્ટોરલ બોન્ડ પર ચર્ચા તરફ આરોપ લગાવ્યા છે જ્યારે ભાજપે બ્લેકમની પર વાર કર્યો છે. કોગ્રેસે રાફેલ પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. રેલવે મંત્રીએ કહ્યું કે, કોગ્રેસ વર્ષોથી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. કોગ્રેસના વરિષ્ઠ નેતાઓને ત્યાં ઇલેક્શન કમીશને કરોડો રૂપિયા જપ્ત કર્યા છે જ્યારે ભાજપે બ્લેકમની પર વાર કર્યો છે. મોદી સરકારે બે હજારની ઉપર રોકડના રૂપમાં દાન લેવાનું બંધ કર્યું છે. ચૂંટણી દરમિયાન દાન અગાઉ રોકડમાં આપવામાં આવતું હતુ. હવે એ નેતાઓને તકલીફ થઇ રહી છે.


પિયૂષ ગોયલે કહ્યું કે, શેલ કંપનીઓ પર મોદી સરકારે વાર કર્યો છે. અનેક કંપનીઓ બંધ થઇ ગઇ છે રિઝર્વ બેન્ક અને ઇલેક્શન કમીશન સાથે કેન્દ્ર સરકારે ચર્ચા કરી છે અને આ સ્કીમ લાગુ કરી છે. એ સુનિશ્વિત કરવામાં આવ્યુ છે કે આ બોન્ડ્સનો ખોટો ઉપયોગ ના થાય. વિપક્ષે સવાલ કર્યો હતો કે અધવચ્ચે કેમ બોન્ડ ખોલવામાં આવ્યા. તો એનો જવાબ છે કે વિધાનસભા ચૂંટણીઓ વારંવાર આવે છે એટલા માટે આ બોન્ડ્સ ખોલવાની પ્રક્રિયા થઇ છે.

ઇલેક્ટોરલ બોન્ડ યોજના કેન્દ્ર સરકાર 2018માં સૂચિત કરી હતી. જનપ્રતિનિધિત્વ લો 1951ની કલમ 29-એ હેઠળ એવી રાજકીય પાર્ટીઓ જેમને છેલ્લી સામાન્ય ચૂંટણી અથવા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક ટકા અથવા તેનાથી વધુ મત મળ્યા હોય એ ઇલેક્ટોરલ બોન્ડ પ્રાપ્ત કરવાને પાત્ર હોય છે. આ બોન્ડ 15 દિવસ માટે વેલિડ હોય છે અને પાત્ર રાજકીય પક્ષો આ સમયગાળામાં કોઇ અધિકૃત બેન્કમાં બેન્ક એકાઉન્ટ મારફચે રોકડ કરાવી શકે છે.