નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ભલે અમેરિકામાં હોય પરંતુ ત્યાંથી પણ તેઓ વડાપ્રધાન મોદી પર નિશાન સાધવાની તક નથી છોડતા. આ વખતે તેમણે એક ટ્વિટ કરી કોરોના મુદ્દે અને લોકડાઉનની ટાઇમિંગને લઇને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પોતાના સરકારી આવાસ પર મોરને લઇને જે વીડિયો અને તસવીરો પોસ્ટ કરી  હતી તેને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોર સાથે વ્યસ્ત છે તો લોકોએ જાતે જ પોતાનો જીવ બચાવવો પડશે.



રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે, કોરોના સંક્રમણના આંકડા આ સપ્તાહમાં 50 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર પહોંચી ગયા છે. આયોજન વિનાનું લોકડાઉન એક વ્યક્તિના અહંકારના કારણ લગાવાયું હતું જેનાથી કોરોના દેશભરમાં ફેલાઇ ગયો. મોદી સરકારે કહ્યું કે, આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે જ બચાવી લો કારણે PM મોર સાથે વ્યસ્ત છે.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ભયાનક સ્થિતિ સુધી પહોંચી ગયો છે અને દરરોજ કેસની સંખ્યા લગભગ એક લાખને પાર પહોંચવાની છે. કોરોનાની શરૂઆતમાં લગાવવામાં આવેલું લોકડાઉન હવે ખોલી દેવામાં આવ્યું છે. દેશના મોટાભાગના હિસ્સાઓમાં વીકએન્ડ લોકાડાઉન પણ ખોલી દેવામાં આવ્યું છે.