નવી દિલ્હીઃ દિલ્હીમાં રેલવે ટ્રેક નજીક બનેલી 48000 ઝૂંપડીઓને હટાવવા મામલામાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, લોકોના પુનઃવસન પર કેન્દ્ર, રેલવે અને દિલ્હી સરકારમાં ચર્ચા ચાલી રહી છે. હાલમાં કોઇને હટાવવામાં આવશે નહીં. આ મામલે સુનાવણી ચાર સપ્તાહ સુધી ટાળવામાં આવી હતી. કોગ્રેસ નેતા અજય માકને ઝૂંપડપટ્ટીઓ હટાવવાના આદેશ પર રોકની માંગ કરી હતી. કોર્ટે 31 ઓગસ્ટના રોજ પોતાના આદેશમાં દિલ્હીમાં રેલવે લાઇનના કિનારા પર બનેલી 48000 ઝૂંપડીઓને ત્રણ મહિનાની અંદર હટાવવાના નિર્દેશ આપ્યા હતા.



સોલિસીટર જનરલના નિવેદન બાદ અજય માકને ટ્વિટ કરી વકીલ અભિષેક મનુ સંઘવીનો આભાર માન્યો હતો. માકને ટ્વિટમાં લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટેમાં અમારી અરજી પર સોલિસીટર જનરલે માન્યું કે ચાર સપ્તાહમાં 48000 ઝૂંપડીઓના પુનઃવસન સંબંધિત મામલાનો ઉકેલ લાવવામાં આવશે અને ત્યાં સુધી કોઇ ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં આવશે નહીં. આ ગરીબ ઝૂંપડપટ્ટીઓને રાહત અપાવવા માટે અભિષેક મનુ સંઘવીનો આભાર.