નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના બાગપતમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્દાટન કર્યું હતું. આ અવસર પર તેમણે કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અહી એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે, આજે દેશના લોકો દેખી રહ્યા છે કે પોતાના રાજકીય ફાયદા માટે આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ જાહેરમાં ખોટુ બોલી રહ્યા છે. પછી તે દલિતોના અત્યાચાર સંબંધિત કાયદાની વાત હોય તો પછી અનામતની વાત હોય ખોટુ બોલીને અફવા ફેલાવીને આ લોકોને ભ્રમિત કરવાનું કાવતરુ રચતા રહ્યા છે.
મોદીની સાથે મંચ પર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. મોદીએ હાઇવેના ઉદ્ધાટન બાદ છ કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. લોકોને સંબોધતા મોદીએ કહ્યું કે, બીજી તરફ એવા લોકો છે જેમના માટે તેમનો પરિવાર દેશ છે. મારા માટે મારો દેશ પરિવાર છે. મોદીનો વિરોધ કરવામાં કોગ્રેસ દેશનો વિરોધ કરી રહી છે.
મોદીએ કહ્યું કે, હું અહીના શેરડીના ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે સરકાર તેમની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ છે અને તેમની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. હવે ખેડૂતોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે કે જે ખેડૂત ખેતરને ભાડા પર આપશે તો તેના પર 18 ટકા જીએસટી લાગશે, હું ખેડૂતોને કહેવા માંગું છું કે તેઓ આવી અફવામાં ના આવે. જે કોઇ આવી અફવા ફેલાવે છે તેની પોલીસમાં ફરિયાદ કરે.
વડાપ્રધાને કહ્યું કે, કોગ્રેસ દેશના વિકાસને મજાક સમજે છે. તેને સ્વચ્છ ભારત અને ગરીબ મહિલા માટે બનાવવામાં આવતા શૌચાલયને મજાક લાગે છે. છેલ્લા ચાર વર્ષોમાં 3 લાખ કરોડથી વધુ ખર્ચ કરીને 28 હજાર કિલોમીટરથી વધારે નવા હાઇવે બનાવ્યા છે. ચાર વર્ષ અગાઉ સુધી જ્યાં સુધી એક દિવસમાં ફક્ત 12 કિલોમીટર બનતો હતો જે આજે લગભગ 27 કિલોમીટર હાઇવે બને છે.