મન કી બાત : પીએમ મોદીએ કહ્યું, 'આત્મનિર્ભર ભારત' અભિયાન દેશને નવી ઊંચાઈ પર લઈ જશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 May 2020 11:20 AM (IST)
પીએમ મોદીએ કહ્યું, તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીમે ધીમે ઉદ્યોગ પણ શરૂ થઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી મોદી મન કી બાત કરી રહ્યા છે. લોકડાઉનમાં ત્રીજી વખત પીએમ મોદી મન કી બાત કરી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું, વિશ્વના મુકાબલે ભારતમાં કોરોના વાયરસ ઓછો ફેલાયો છે. આપણે વધારે સાવધાની રાખવી પડશે. પીએમ મોદીએ કહ્યું, તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીમે ધીમે ઉદ્યોગ પણ શરૂ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે. મોં પર માસ્ક લગાવવાની વાત હોય કે ઘરમાં રહેવાનું હોય આપણે તમામ વાતોનું પાલન કરવાનું છે. મોદીએ આગળ કહ્યું, દેશમાં સૌના સામૂહિક પ્રયાસોથી કોરોના સામે લડાઈ મજબૂતીથી લડવામાં આવી રહી છે. જ્યારે આપણે વિશ્વ તરફ નજર કરીએ ત્યારે અનુભવ થાય છે કે ભારતવાસીઓની ઉપલબ્ધિ કેટલી મોટી છે. આપણી વસતી અનેક દેશોથી વધારે છે. આપણા દેશમાં પડકાર પણ વિવિધ પ્રકારની છે. પરંતુ તેમ છતાં દેશમાં કોરોના અન્ય દેશોની તુલનામાં ઓછો ફેલાયો છે. જે નુકસાન થયું છે તેનું દુઃખ બદાને છે. પરંતુ જે કંઈ આપણે બચાવી શક્યા છીએ તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે. મન કી બાતમાં પીએમે કહ્યું, આપણા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસક્રમી, મીડિયાના સાથી જે આ સેવા કરી રહ્યા છે તેમની ચર્ચા મેં અનેક વખત કરી છે. મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે. કોરોના વેક્સીન પર આપણી લેબ્સમાં જે કામ થઈ રહ્યું ચે તેના પર વિશ્વભરની નજર છે અને આપણા બધાની આશા પણ. કોઈપણ પરિસ્થિતિને બદલવા માટે, ઈચ્છાશક્તિની સાથે ઘણુ બધુ ઈનોવેશન પર પણ નિર્ભર કરે છે. કેન્દ્ર સરકારે જે પણ ફેંસલા લીધા છે તેમાં ગામડામાં રોજગારી, સ્વરોજગાર, લઘુ ઉદ્યોગોની અનેક સંભાવના ખુલી છે. જો આપણા ગામડા આત્મનિર્ભર હોત તો અનેક સમસ્યાઓ ન હોત, જે આજે આપણી સામે છે. મને પૂરો ભરોસો છે કે આત્મનિર્ભર ભારત અભિયાન, આ દાયકામાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે. કોરોના સંકટના આ કાળમાં મારી વિશ્વના અનેક નેતાઓ સાથે વાત થઈ, પરંતુ હું એક રહસ્ય જણાવવા માંગીશ. વિશ્વના અનેક નેતાઓમાંથી ઘણાએ હાલના દિવસોમાં યોગ અને આયુર્વેદમાં વધારે રસ બતાવ્યો હતો. દરેક જગ્યાએ લોકો યોગ અને આયુર્વેદ અંગે જાણવા માંગે છે. જે લોકોએ ક્યારેય યોગ નથી કર્યા તેઓ ઓનલાઈન યોગ ક્લાસમાં જોડાઈ ગયા છે અથવા ઓનલાઈન વીડિયો માધ્યમથી યોગ શીખી રહ્યા છે. કોરોનાના સંકટના આ સમયમાં યોગ આજે વધારે મહત્વના છે. કારણે આ વાયરસ આપણા શ્વાસ તંત્રમાં સૌથી વધારે પ્રભાવિત કરે છે. યોગમાં તો શ્વાસ તંત્રને મજબૂત કરનારા અનેક પ્રાણાયામ છે.