નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આજે ફરીથી સંબોધિત કર્યો, તેમને પોતાના સંબોધનમાં કોરોના, અને કોરોના સંકટ કાળમાં સરકાર દ્વારા દેશની જનતા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિશે વાત કરી, આ દરમિયાન તેમને ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવાની વાત કહી હતી.


દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી કે એવી સ્થિતિ ના આવે કે કોઇ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્યના સરકારો હોય, સિવિલ સોસાયટીના લોકો હોય કે કોઇપણ, તમામે પુરો પ્રયાસ કર્યો કે આપણા દેશના ગરીબો ભૂખ્યા ના રહે.

પીએમે કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, અને આ દરમિયાન 9 કરોડથી વધારે ખેડૂતોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. સરકારે પુરેપુરી વ્યવસ્થા કરી છે કે ગરીબો અને વંચિતોને આ કોરોના સંકટકાળમાં કોઇ તકલીફ ના પડે

પીએમ મોદીએ કહ્યું કે, એકબાજુ જોઇએ તો અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢીગણા વધારે લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 13 ગણા વધારે લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યુ છે, અને હવે આ વ્યવસ્થાને નવેમ્બરના અંત સુધી ચાલુ રાખવામાં આવી રહી છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અહીં ચોમાસુ અને ત્યારબાદ ખાસ કરીને ખેતીમાં જ વધારે કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી વધુ રહે છે. જુલાઇથી થોડો થોડો તહેવારોનો પણ માહોલ બનવા લાગશે, અને આગામી દિવસોમાં દેશમાં ઘણાબધા તહેવારો આવવાના છે, 5 જુલાઇએ ગુરુપૂર્ણિમા, બાદમાં ગણેશોત્સવ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.