Sharda Sinha Died: જાણીતા લોક ગાયિકા શારદા સિન્હાનું મંગળવારે (5 નવેમ્બર, 2024) નિધન થયું હતું. 72 વર્ષીય ગાયિકાએ છઠ્ઠ તહેવારના પહેલા દિવસે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધન પછી માત્ર સિને જગત જ નહીં પરંતુ રાજકારણના મોટા નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.






પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, "પ્રસિદ્ધ લોક ગાયિકા શારદા સિન્હાના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના દ્વારા ગાયેલા મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા ઘણા દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે. આસ્થાના મહાપર્વ છઠ્ઠ સાથે જોડાયેલા તેમના મધુર ગીતોની ગુંજ હંમેશા માટે રહેશે. તેમનું નિધન સંગીત જગત માટે અપૂરણીય ક્ષતિ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ!"  






બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોક ગાયિકા શારદા સિન્હાના નિધન પર નિવેદન જાહેર કર્યું છે. સીએમ નીતિશે કહ્યું કે પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત શારદા સિન્હાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પોતાના શોક સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું કે બિહાર કોકિલા શારદા સિન્હા એક પ્રખ્યાત લોક ગાયિકા હતા. મૈથિલી, બજ્જિકા, ભોજપુરી ઉપરાંત તેમણે હિન્દી ગીતો પણ ગાયા છે. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો મધુર અવાજ આપ્યો હતો. 


સંગીતની દુનિયામાં તેમના યોગદાન માટે ભારત સરકારે તેમને 1991 માં પદ્મશ્રી અને 2018 માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. છઠ્ઠ ના તહેવાર નિમિત્તે સ્વર્ગસ્થ શારદા સિન્હા દ્વારા સુમધુર અવાજમાં ગાયેલા મધુર ગીતો બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત દેશના તમામ ભાગોમાં ગુંજી ઉઠે છે. તેમના નિધનથી સંગીત ક્ષેત્રે ન પુરી શકાય તેવી ખોટ પડી છે.