હ્યુસ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચી ગયા છે. અહી ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજે હ્યુસ્ટનમાં અમેરિકન ઉર્જા કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ઉર્જા ક્ષેત્રની બે કંપનીઓ અમેરિકાની તેલુરિયન અને ભારતની પેટ્રોનેટ વચ્ચે પાંચ મિલિયન ટન એલએનજીનો કરાર થયો હતો.




‘હાઉડી મોદી’કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે અને મોદી 50 હજારથી વધુ લોકોને સંબોધિત કરશે. અમેરિકાના હ્યુસ્ટન પહોંચતા જ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘હાઉડી હ્યુસ્ટન’હ્યુસ્ટનમાં ચમકદાર બપોર છે. આ ગતિવાન અને ઉર્જાવાન શહેરમાં આજે અને આવતીકાલે અનેક કાર્યક્રમોની રાહ જોઇ રહ્યો છું.


વડાપ્રધાન મોદી જે હોટલમાં રોકાયા હતા તેની બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાથમાં તિરંગો લઇ પહોંચી ગયા હતા. હાઉડી મોદી કાર્યક્રમમાં અત્યાર સુધી 50 હડાર ટિકિટ વેચાઇ ચૂક્યા છે. તે સિવાય અનેક લોકો વેઇટિંગ લિસ્ટમાં છે. કાર્યક્રમ લગભગ ત્રણ કલાક ચાલશે. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકોને તેઓ સંબોધિત કરશે. ટેક્સાસ રાજ્યના  સૌથી મોટા શહેર હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્ધારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.