NDAની બેઠકમાં PM મોદીએ નેતાઓને કહ્યું- સંસદમાં CAA પર વિપક્ષને આક્રમક જવાબ આપો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jan 2020 09:56 PM (IST)
વડાપ્રધાને સંસદના બજેટ સત્ર દરમિયાન આક્રમક રીતે સીએએ પર વિપક્ષના આરોપોનો જવાબ આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, લઘુમતીઓ પણ અન્ય નાગરિકની જેમ આપણા પોતાના છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ હતું કે, સરકાર પાસે નાગરિકતા સંશોધન કાયદાનો બચાવ કરવાનું કોઇ કારણ નથી અને એનડીએના નેતાઓને સંસદમાં મજબૂતી સાથે સીએએનું સમર્થન કરવા કહ્યું છે. એનડીએની બેઠક બાદ ભાજપના એક સહયોગી દળના એક નેતાએ કહ્યું કે, વડાપ્રધાને સંસદના બજેટ સત્ર દરમિયાન આક્રમક રીતે સીએએ પર વિપક્ષના આરોપોનો જવાબ આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, લઘુમતીઓ પણ અન્ય નાગરિકની જેમ આપણા પોતાના છે. નોંધનીય છે કે વિપક્ષ સીએએને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યા છે. સહયોગી નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું કે, સરકારે નાગરિકતા સંશોધન કાયદા પર કાંઇ ખોટું કર્યું નથી અને તેને બચાવમાં આવવાની કોઇ જરૂર નથી. આ અગાઉ જેડીયૂએ સરકારને એનપીઆરની પ્રશ્નાવલીમાંથી માતાપિતાની વિસ્તૃત જાણકારી માંગનારા સવાલોને હટાવવાની માંગણી કરી છે. જેડીયૂ નેતા લલન સિંહે કહ્યું કે, તેમણે એનડીએની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ વિશ્વાસ અપાવ્યો છે કે આ મામલે ચર્ચા કરવામાં આવશે.