નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા એક દેશ-એક ચૂંટણી પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની બેઠકમાં કોગ્રેસ સહિતની અનેક પાર્ટીઓ સામેલ થઇ નહોતી. એસપી, બીએસપી, ટીડીપી, ટીએમસી સહિતની પાર્ટીઓ સામેલ થઇ નહોતી. કોગ્રેસે બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે બીએસપી અધ્યક્ષ માયાવતી, ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી અને આપના વડા અરવિંદ કેજરીવાલે બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.


માયાવતીએ ટ્વિટ કરી કહ્યું કે, જો ઇવીએમના મુદ્દા પર તમામ પક્ષોની બેઠક યોજાતી તો તેઓ સામેલ થયા હોત. બેઠકમાં કોગ્રેસ, એસપી અને ટીએમસી પણ ગેરહાજર રહી છે. એસપીએ કહ્યુ હતું કે, તેઓ આ મુદ્દા પર વિરોધમાં છે. જોકે, બેઠકમાં ટીઆરએસ તરફથી ચંદ્રશેખર રાવના પુત્ર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ટી રામારાવ ભાગ લેશે. તે સિવાય ડાબેરીઓ તરફથી યેચુરી સિવાય સીપીઆઇના રાજ્યસભા સભ્ય ડી રાજા પણ બેઠકમાં સામેલ થઇ રહ્યા છે.

એનસીપી અધ્યક્ષ શરદ પવાર આ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ આ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા તથા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના આયોજન સહિત અનેક મુદ્દાઓ પર સર્વદળીય બેઠક બોલાવી હતી.