શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો છે. આંતકીઓએ આઇઇડી બ્લાસ્ટ કરી સેના પર હુમલો કર્યો છે. જેમાં 30 થી વધુ જવાનો શહીદ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ હુમલામાં 35થી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. પુલવામામાં થયેલા હુમલા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.


પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, “વીર જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય, તેઓએ જણાવ્યું કે પુલવામામાં હુમલાની સ્થિતિને લઇને મે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અન્ય મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી છે.”


ગૃહમંત્રી રાજનાથ સિંહ આવતીકાલે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર જશે. તેઓએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ આ આતંકી હુમલા અંગે વાતચીત કરી છે. આ આંતકી હુમલા પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મોનિટરિંગ કરી રહ્યાં છે. તેઓ સતત સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સ્થિતિની જાણકારી મેળવી રહ્યાં છે.

પુલવામામાં થયેલા આ આતંકી હુમાલાનો શિકાર 76Bn CRPFની બસ થઈ હતી. આ કાફલામાં CRPFની ત્રણ બટાલિયન એક સાથે જઇ રહી હતી ત્યારે 3 વાગીને 37 મિનિટ પર આ બ્લાસ્ટ થયો. સીઆરપીએફની 54મી, 179મી અને 34મી બટાલિયન પર આ હુમલો થયો છે. આ કાફલામાં લગબગ 2500 જવાનો જઇ રહ્યા હતા.

સીઆરપીએફના સૂત્રો અનુસાર રોડ પર એક ફોર વ્હિલરમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઈવે પર ઉભી હતી. સેનાનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે જ તે હાઈવે પર ઉભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન સેના ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પુલવામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં જે ફિદાયીન ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં 200 કિલોથી વધુનો વિસ્ફોટક ભરેલો હતો.