PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (25 ઓગસ્ટ) ગ્રીસના એથેન્સથી ભારત આવવા રવાના થયા છે. દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના તેમના બે દેશોના પ્રવાસને સમાપ્ત કર્યા પછી  વડા પ્રધાન પૂર્વ નિર્ધારિત મુલાકાતે સીધા બેંગલુરુ  કર્ણાટક જશે. તેઓ શનિવારે (26 ઓગસ્ટ) ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોને મળશે. ચંદ્રયાન-3 ની સફળતા પછી તરત જ  23 ઓગસ્ટના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISROના વડા એસ. સોમનાથને ફોન કર્યો અને તેમને અભિનંદન આપ્યા અને વૈજ્ઞાનિકોને મળવાનું કહ્યું. PM મોદી શનિવારે સવારે 5:30 વાગ્યે બેંગ્લોર HAL એરપોર્ટ પહોંચશે.


શું છે પીએમ મોદીનો કાર્યક્રમ ?


વડાપ્રધાન સવારે 6:30 કલાકે એરપોર્ટ પરથી ઈસરો જવા માટે રવાના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન કાર્યકરોને ભાજપના ઝંડા ફરકાવવાની મનાઈ કરવામાં આવી છે.   માત્ર ત્રિરંગો ફરકાવવાની સૂચના આપવામાં આવ્યા છે.  ભાજપના નારા ન લગાવવા પણ સૂચના આપવામાં આવી છે.  માત્ર ભારત માતા કી જયના ​​નારા લગાવવાની સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાન મોદી લગભગ એક કલાક સુધી ઈસરોમાં રોકાશે. જ્યાં તે ચંદ્રયાન મિશનની ટીમને મળશે.


પીએમ મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતે છે


વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસીય મુલાકાતે મંગળવારે જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. તેમણે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મતમેલા સિરિલ રામાફોસાના આમંત્રણ પર 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગમાં આયોજિત 15મી BRICS લીડર્સ સમિટમાં હાજરી આપી હતી. પીએમ મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ અનૌપચારિક વાતચીત કરી હતી.


આ પછી પીએમ શુક્રવારે ગ્રીસ પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે અહીં ગ્રીસના ટોચના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. છેલ્લા 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હતી.  


ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા બાદ હવે તેનું આગળનું કામ શરૂ કરી દીધું છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરથી બહાર આવ્યું છે. ઈસરોએ સોશિયલ મીડિયા વેબસાઈટ X પર પ્રજ્ઞાન રોવરનો એક વીડિયો શેર કર્યો છે. લગભગ 20 સેકન્ડના આ વીડિયોમાં પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર ઉતરતા જોઈ શકાય છે. વિક્રમ લેન્ડરના પ્લેટફોર્મ પરથી ઉતર્યા બાદ પ્રજ્ઞાન રોવર પણ થોડા ડગલાં આગળ જતું જોવા મળે છે.