ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના આબુ રોડ પહોંચ્યા હતા. રાજસ્થાન બોર્ડર પર આબુ ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેઓ સભા સ્થળ પર 10 વાગ્યા બાદ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના આબુ રોડ ખાતે વિશાળ સભાને સંબોધવા માટે માઈકનો ઉપયોગ કર્યો ન હતો કારણ તેઓ 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાના કોઈપણ નિયમનું ઉલ્લંઘન કરવા માંગતા ન હતા. જેથી તેમણે મોટી સંખ્યામાં આવેલા લોકોને માઈક વગર જ ટૂંકું સંબોધન કર્યું હતું. અને સ્ટેજ પર માથું ઝુકાવી મોડા પહોંચવા બદલ માફી માંગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના આબુ રોડ ખાતે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.જનસભામાં હજારોની જનમેદની સામે મોદી નતમસ્તક થયા હતા. નિયમ પ્રમાણે રાત્રે 10 પછી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે. તેથી પીએમ મોદીએ રાત્રે 10 વાગ્યા પછી હું માઈકનો ઉપયોગ નહી કરી શકુ, તે બદલ દુખ છે તેવુ કહી નિયમનું પાલન કરતા દેશનાં પ્રધાનમંત્રીએ વગર માઈકે સભાને સંબોધી હતી. PM મોદીએ ફરી તેમના સમક્ષ હાજરી આપવાની વાત કરી હતી.
PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનને આપી લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુરદર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે આ પહેલા ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી તેઓ મેટ્રો ટ્રેન પ્રસ્થાન કરાવવા પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી અંબાજી મંદિર પહોંચ્યા હતા
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના રૂપિયા 6909 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, છેલ્લા બે દશકા દરમિયાન બનાસકાંઠાની તસવીર બદલાઈ ગઈ છે. બનાસકાંઠાના અંબાજી પહોંચેલા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજીમાં જાહેરસભાને સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી અંબાજી મંદિર પહોંચ્યા હતા. અહીં મા અંબાના દર્શન કરી પૂજા કરી હતી.