PM Modi On Pakistan Floods: પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પડોશી દેશમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૂરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારજનો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઝડપથી સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપનની આશા રાખીએ છીએ."



પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરને કારણે સોમવારે મૃત્યુઆંક 1,136 પર પહોંચી ગયો છે. તે જ સમયે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફ સરકારની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય મદદ પહોંચવા લાગી છે. પાકિસ્તાનમાં પૂર કેટલું ભયંકર લાવ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 33 મિલિયનની વસ્તી ધરાવતા દેશની કુલ વસ્તીના સાતમા ભાગના લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે.


પૂરથી કેટલું નુકસાન


કુદરતી આફતો સાથે કામ કરતી મુખ્ય રાષ્ટ્રીય સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સોમવારે જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, પૂરના કારણે 1634 લોકો ઘાયલ થયા છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે લગભગ 9,92,871 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે, જેનાથી લાખો લોકો ખોરાક અને પીવાના શુદ્ધ પાણી વગેરેથી વંચિત છે. આ સાથે જ લગભગ 7 લાખ 35 હજાર 375 લાખ પશુઓ પણ ગુમ થયા છે અને અવિરત વરસાદને કારણે લાખો એકર ફળદ્રુપ જમીન ડૂબી ગઈ છે.


પાકિસ્તાને મદદ માંગી


આ ભયાનક આપત્તિનો સામનો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે અને ઘણા દેશોએ એકતાના સંદેશા સાથે માનવતાવાદી સહાય મોકલી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે કારણ કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હજારો ગામો દેશના બાકીના ભાગોથી સંપર્ક વગરના છે અને નદીઓ વહેવાને કારણે રસ્તાઓ તૂટી ગયા છે  અને પુલ નાશ પામ્યો છે.


પૂર અને ખાદ્ય સંકટથી પાકિસ્તાનની હાલત ખરાબ


પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે. મિફ્તા ઈસ્માઈલે કહ્યું, "આ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે અમે ભારત સાથે વેપાર માર્ગો ખોલીશું."


પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે આજે મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં આવેલા પૂરને કારણે ખેડૂતોના પાકમાં વિનાશ થયો છે અને આ કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન અનુસાર, ઈસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે મિફ્તા ઈસ્માઈલને પુછાયેલા પ્રશ્નમાં તેમણે આ જવાબ આપ્યો હતો.