નવી દિલ્લી:આજે રાજ્યસભામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશને આંદોલનજીવી અને ફોરેન ડિસ્ટ્રીક્ટિવ આઇડિયોલોજીથી બચવાની જરૂર છે. પીએમ મોદીના રાજ્યસભાના સંબોધનની મુખ્ય વાતો શું છે જાણીએ...

તેમણે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે, પૂર્વ પીએમ મનમોહન સિંહે તેમના કાર્યકાળમાં ખેડૂતને તેમનું ઉત્પાદન ક્યાંય પણ વેચવાની છૂટ આપવાની વાત કરી હતી. કોંગ્રેસે આ વાતથી ગૌરવ લેવો જોઇએ કે, મન મોહન સિંહની વાત આખરે સરકારે માનવી પડી.

પીએમ મોદીએ  એનસીપી અધ્યક્ષ શરદ પવારને જવાબ આપતા જણાવ્યું કે, એક સમયે શરદ પવારે કૃષિ સુધારાને આવકાર્યા હતા. જો કે તેમણે તેમાં સુધારાની શક્યતાને પણ વ્યક્ત કરી હતી. જો કે હવે તેમના પર રાજનિતી હાવી થઇ ગઇ છે અને તે વિરોધના સૂર આલાપી રહ્યાં છે.

યૂરિયાને નાના ખેડૂત સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું. તેમને પેન્શન સુરક્ષા આપી. રોડના માધ્યમથી આપણે ખેડૂત સુધી પહોંચ્યાં. ખેડૂત રેલ અને કિશાન ઉડાન યોજનાનો લાભ પણ ખેડૂત લઇ રહ્યાં છે.

ખેડૂતોની દેવા માફી એ માત્રા ચૂંટણીલક્ષી પ્રલોભન છે. જે નાના ખેડૂતો માટે ઉપયોગી નથી. સરકારે ખેડૂતોના લાભ માટે વિમા પાકનો ક્ષમતાને વધારી, વિમા યોજના અંતર્ગત 90 હજાર કરોડ રૂપિયાનો ક્લેમ ખેડૂતને અપાયો.

ખેડૂતની ક્રેડિટ કાર્ડની ક્ષમતા પણ વઘારી દેવાઇ છે. પોણા 2 કરોડ ખેડૂત આજે તેનો ફાયદો ઉઠાવી રહયાં છે. પીએમ સન્માન નિધિ યોજના હેઠળ સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યાં. બંગાળમાં રાજકારણના કારણે વિઘ્ન આવ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણે લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરતા આગળ વધવાનું છે.