PM Modi High Level Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સાંજે આ વર્ષે ગંભીર હીટવેવની આશંકા વચ્ચે ગરમ હવામાનનો સામનો કરવા તેમજ તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં પીએમ મોદીએ ચોમાસાની આગાહી, રવિ પાક પર અસર, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી અને ગરમી અને શમનના પગલાં સંબંધિત આપત્તિની તૈયારી વિશે પૂછપરછ કરી હતી.


પીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ વિવિધ હિતધારકો માટે અલગ-અલગ જાગૃતિ સામગ્રી તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતાં. આ સાથે પીએમ મોદીએ IMDને દરરોજ હવામાનની આગાહી એવી રીતે તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો કે, તેનું અર્થઘટન કરવું અને તેનો પ્રસાર કરવામાં સરળતા રહે. આ ઉપરાંત વડાપ્રધાને તમામ હોસ્પિટલોના વિગતવાર ફાયર ઑડિટની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને FCIને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં અનાજનો મહત્તમ સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.


ગરમીનો સામનો કરવા માટે શાળાઓમાં વિશેષ લેક્ચરના નિર્દેશ


પીએમઓના જણાવ્યા અનુસાર, બાળકોને ભારે ગરમીનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે શાળાઓને સ્પેશિયલ લેક્ચરનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ગરમ હવામાન માટે શું કરવું અને શું કરવું નહીં તે બાબત સુલભ ફોર્મેટમાં તૈયાર થવું જોઈએ અને પ્રચારના વિવિધ માધ્યમો જેમ કે જિંગલ્સ, ફિલ્મો, પેમ્ફલેટ વગેરે પણ તૈયાર કરીને રિલીઝ કરવા જોઈએ.


વડાપ્રધાને IMDને દરરોજ હવામાનની આગાહી એવી રીતે જારી કરવા જણાવ્યું છે કે, જેનું સરળતાથી અર્થઘટન અને પ્રસાર કરી શકાય. તેમણે હવામાનની આગાહીના પ્રસાર માટે ન્યૂઝ ચેનલો, એફએમ રેડિયો વગેરેને સામેલ કરવા પર પણ ભાર મૂક્યો હતો, જેથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની સુવિધા મળી રહે.


તમામ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ અને મોકડ્રીલ કરવા આદેશ


PMOએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને તમામ હોસ્પિટલોના આગ નિવારણના પગલાંના વિગતવાર ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા તમામ હોસ્પિટલોમાં મોક ફાયર ડ્રીલ હાથ ધરવામાં આવે. નિવારણ માટે સંકલિત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેનો સામનો કરવા અને પ્રણાલીગત ફેરફારો કરવા માટે આહવાન કર્યું હતું.


વડાપ્રધાને જળાશયોમાં ઘાસચારો અને પાણીની ઉપલબ્ધતા પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો. PMOએ કહ્યું હતું કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં અનાજનો સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.


આ બેઠકમાં વડા પ્રધાનના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ અને NDMAના સભ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા.