નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના દિગ્ગજ બિઝનેસમેનો સાથે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને મહત્વની બેઠક કરી હતી. તેમણે ઉધોગપતિઓ સાથે ઇકોનોમિક ગ્રોથની ઝડપ વધારવા અને રોજગારી સર્જનના મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ દેશના મોટા બિઝનેસમેનો સાથે રોજગારીના અવસર પેદા કરવાના  ઉપાયો પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા ગ્રુપના રતન ટાટા, એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.


વાસ્તવમાં મોદી સરકારે વર્ષ 2024 સુધીમાં ભારતીય અર્થવ્યસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.  પરંતુ અર્થવ્યવસ્થાના  મોરચા પર સરકાર સતત પાછળ જતી લાગી રહી છે. ખાસ કરીને સ્થાનિક જીડીપીના દરમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. ચાલુ નાણાકીય વર્ષની બીજા ત્રિમાસિ ગાળા એટલે કે જૂલાઇ સપ્ટેમ્બર મહિનામાં જીડીપીનો દર ઘટીને 4.5 ટકા પર આવી ગયો છે. આ અગાઉ પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર પાંચ ટકાના સ્તર પર હતો.