નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દિલ્હીમાં આ વખતે કઈ પાર્ટીની સરકાર બનશે અને કોણ મુખ્યમંત્રી બનશે. આ સવાલનો જવાબ જાણવા ABP ન્યૂઝે સીવોટર સાથે મળીને સર્વે કર્યો છે.

આ વખતે કોને કેટલી સીટ

ABP ન્યૂઝ – સી વોટર સર્વે મુજબ આમ આદમી પાર્ટી ફરી દિલ્હીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે અને ફરીથી સરકાર બનાવી શકે છે. જોકે આમ આદમી પાર્ટીને સીટોનું નુકશાન થઈ શકે છે. સર્વે મુજબ કુલ 70માંથી આમ આદમી પાર્ટીને 59 સીટો મળી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીની તુલનામાં 8 સીટોનું નુકસાન થઈ શકે છે. દિલ્હીમાં સરકાર બનાવવા 36 સીટોની જરૂર છે. ભાજપ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 8 સીટો જીતી શકે છે, એટલે કે તેને ત્રણ સીટોનો ફાયદો થઈ શકે છે. જ્યારે કોંગ્રેસ પણ ત્રણ સીટો જીતી શકે છે, ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

કયા રીઝનમાં  કેટલી સીટો

સેન્ટ્રલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 17, ભાજપને 2 અને કોંગ્રેસને 1 સીટ મળી શકે છે. આઉટર દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 26, ભાજપને 3 અને કોંગ્રેસના ફાળે એક સીટ આવી શકે છે. યમુના પાર રીઝનમાં આમ આદમી પાર્ટીને 16, ભાજપને 3 અને કોંગ્રેસને એક સીટ મળી શકે છે.

કોને કેટલો વોટ શેયર

આમ આદમી પાર્ટીના ખાતામાં 53.30 ટકા, બીજેપીના ખાતામાં 25.90 ટકા, કોંગ્રેસના ખાતામાં 4.7 ટકા અને અન્યોના ખાતામાં 16.2 ટકા સીટો જવાનું અનુમાન છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54.34 ટકા વોટ મળ્યા હતા. જ્યારને ભાજપને 32.19 અને કોંગ્રેસને 9.65 ટકા વોટ મળ્યા હતા. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જ્યારે ભાજે 69 અને કોંગ્રેસે પણ 70 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. 70 વિધાનસભા સીટોમાં 58 સીટો સામાન્ય કેટેગરીની છે, જ્યારે 12 સીટો આરક્ષિત છે.

 દિલ્હી ચૂંટણી 2020ની ખાસ વાતો

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

(ABP ન્યૂઝ એ સી-વોટર સાથે મળીને આ સર્વે કર્યો છે અને આ માટે 13,076 લોકો સાતે વાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 જાન્યુઆરી 2020 થી 6 જાન્યુઆરી 2020 સુધી લોકો સાથે વાત કરવામાં આવી છે.)