PM Modi Inaugurates HAL: આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે તુમકુરુને દેશમાં ખૂબ મોટી હેલિકોપ્ટર ફેક્ટરી મળી છે. આજે તુમાકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ સાથે તુમાકુરુ જિલ્લાના સેંકડો ગામો માટે પીવાના પાણીની યોજનાઓ પર પણ કામ શરૂ થઈ ગયું છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું હતું કે, આ એ જ એચએએલ છે જેનો ઉપયોગ અમારી સરકાર પર જુદા જુદા અને ખોટા આરોપો લગાવવા માટે કરવામાં આવ્યો હતો. આ એ એચએએલ છે જેના નામે લોકોને ભડકાવવા માટે કાવતરાં ઘડવામાં આવ્યા હતા, લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. પરંતુ જૂઠ્ઠાણું ગમે તેટલું મોટું હોય તે એક દિવસ સત્યની સામે ચોક્કસપણે હારે જ છે. આ મુદ્દે સંસદના કામકાજના અનેક કલાકો પણ વેડફાયા હતા.
PMએ કહ્યું હતું કે, HALની હેલિકોપ્ટર ફેક્ટરી અને તેની વધતી શક્તિ ખોટા આરોપો લગાવનારાઓને ખુલ્લા પાડશે. આજે HAL ભારતીય દળો માટે આધુનિક તેજસ બનાવી રહ્યું છે અને વિશ્વના આકર્ષણનું કેન્દ્ર છે. આજે HAL સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા પર ભાર મૂકે છે. જાહેર છે કે, વર્ષ 2018માં રાહુલ ગાંધીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ તેમણે સરકાર પર HALનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
"કર્ણાટક સંતો, ઋષિઓની ભૂમિ"
પીએમ મોદીએ કહ્યું હતું કે, કર્ણાટક સંતો, ઋષિ-મુનિઓની ભૂમિ છે. સંતોના આશીર્વાદથી આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્ણાટકના યુવાનોને રોજગાર, ગ્રામજનો અને મહિલાઓને સુવિધાઓ પૂરી પાડવા દેશની સેનાને મજબૂત બનાવવા અને મેડ ઈન ઈન્ડિયા જેવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડબલ એન્જિન સરકારે કર્ણાટકને રોકાણકારોની પ્રથમ પસંદગી બનાવી છે. નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કરવામાં આવે તો સફળતા મળે છે.
"કર્ણાટક યુવા પ્રતિભા, યુવા ઇનોવેશનની ભૂમિ"
આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા પીએમએ કહ્યું હતું કે, આપણે આપણી સંરક્ષણ જરૂરિયાતો માટે વિદેશો પરની આપણી નિર્ભરતા ઓછી કરવી પડશે. આજે એવા સેંકડો શસ્ત્રો અને સંરક્ષણ સાધનો છે જે ફક્ત ભારતમાં જ બની રહ્યા છે જેનો ઉપયોગ આપણા દળો કરી રહ્યા છે. 2014 પહેલાનો આંકડો યાદ રાખો. વડાપ્રધાને આગળ ઉમેર્યું હતું કે, કર્ણાટક યુવા પ્રતિભા, યુવા ઈનોવેશનની ભૂમિ છે. ડ્રોન મેન્યુફેક્ચરિંગથી લઈને તેજસ ફાઈટર પ્લેન બનાવવા સુધી વિશ્વ કર્ણાટકના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની તાકાત જોઈ રહ્યું છે. છેલ્લા 8 વર્ષમાં અમે ખાનગી ક્ષેત્ર માટે પણ દરવાજા ખોલ્યા છે.
તેમણે કહ્યું હતું કે, આજે આધુનિક એસોલ્ટ રાઈફલ્સથી લઈને ટેન્ક-જહાજો, નેવી માટે એરક્રાફ્ટ કેરિયર્સ, હેલિકોપ્ટર, ફાઈટર જેટ્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, ભારત પોતે જ બનાવી રહ્યું છે. આવનારા સમયમાં તુમકુરુમાં સેંકડો હેલિકોપ્ટર બનવા જઈ રહ્યા છે અને તેનાથી લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થશે. જ્યારે આવા ઉત્પાદનના કારખાનાઓ સ્થપાય છે ત્યારે આપણી સેનાની તાકાત તો વધે જ છે, પરંતુ હજારો રોજગાર અને સ્વ-રોજગારની તકો પણ ઉપલબ્ધ થાય છે.
સંરક્ષણ મંત્રીએ પણ કર્યું સંબોધન
આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, કર્ણાટકનો અર્થ વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ અને ભારતનું ભવિષ્ય છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવનારા સમયમાં ભારત વિશ્વ માટે સંરક્ષણ ઉત્પાદનનું કેન્દ્ર બનશે. તેની શરૂઆત થઈ ચૂકી છે, આજનો સમારંભ તેનો મોટો પુરાવો છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં આ એક સીમાચિહ્નરૂપ છે.