નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડથી કેન્દ્રની મહત્વાકાંક્ષી ‘આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન’નો શુભારંભ કરશે. આ યોજના અંતર્ગત 10 કરોડથી વધારે પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજનાનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન’ કરવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર અને શહેરી શ્રમિક પરિવારની શ્રેણીઓ આવશે. નવીનતમ સામાજિક આર્થિક જાતીય જનગણના(એસઈસીસી) ના પ્રમાણે ગામડામાં આવા 8.03 કરોડ અને શહેરોમાં 2.33 પરિવાર છે. યોજનાનો લાભ 50 લાખ જેટલા લોકોને મળશે. યોજનાનો લાભ સરકારી અને સૂચીબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં લઈ શકાશે.

જે રાજ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના છે, તેના લાભાર્થી પણ આ નવી યોજના અંતર્ગત આવશે. વડાપ્રધાન આજે કાર્યક્રમની શરૂઆત કરશે પરંતુ આ યોજના જનસંઘના સહસંસ્થાપક દીનદયાલ ઉપાધ્યાયની જંયતીના દિવસે 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજનામાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જોડાવા તૈયાર છે. દેશભરમાં 15 હજાર થી હોસ્પિટલો આ યોજના માટે યાદીમાં સામેલ થવા માટે રસ દાખવ્યો છે. જેમાં ખાનગી અને સરકારી બન્ને હોસ્પિટલો છે.

દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ કહેવાતી વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારતની લોન્ચિંગને કેન્દ્રએ મોટી ઈવેન્ટ બનાવવા માટે અને એક સશક્ત રાજનીતિક સંદેશ આપવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારની તમામ કેબિનેટ મંત્રીઓ પોત-પોતાના વિસ્તારમાં કે સંબંધિત રાજ્યોમાં આજે ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે.