નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત દરમિયાન જંગમબાડી મઠ પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ વારાણસીમાં લગભગ 1200 કરોડ રૂપિયાની 50 વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે આઇઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક માધ્યમથી લીલી ઝંડી આપી હતી. આ એક પ્રાઇવેટ ટ્રેન છે જે ત્રણ ધાર્મિક શહેરો વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડશે. તે સિવાય વડાપ્રધાન મોદીએ દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.




વડાપ્રધાને વારાણસીમાં કહ્યું કે, દેશ ફક્ત સરકારથી નથી બનતો, પરંતુ એક-એક નાગરિકના સંસ્કારથી બને છે. એક નાગરિકના રૂપમાં આપણું વર્તન જ નવા ભારતની દિશા નક્કી કરશે. મઠો દ્ધારા બતાવવામાં આવેલા રસ્તાઓ પર ચાલતા સંતો દ્ધારા બતાવાયેલા રસ્તા પર ચાલતા આપણે આપણા જીવનના સંકલ્પો પુરા કરવાના છે અને રાષ્ટ્ર નિર્માણમાં આપણો પુરો સહયોગ આપવાનો છે. છેલ્લા પાંચ-છ વર્ષોમાં જો ગંગાજલમાં સુધારો જોવા મળી રહ્યો છે તેની પાછળ જનભાગીદારીનું ખૂબ મહત્વ છે.


વડાપ્રધાને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલો નિર્ણય સરકારે લીધો છે. તેમણે કહ્યુ કે, અયોધ્યા કાયદા હેઠળ જે 67 એકર જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી તે તમામ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. વારાણસીમાં સપાના કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવી વડાપ્રધાન મોદીને વિરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બીએચયુમાં આજે જે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું તેનું શિલાન્યાસ 2016માં મેં કર્યું હતું.
વારાણસીઃ PM મોદીએ દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું કર્યું લોકાર્પણ, મહાકાલ એક્સપ્રેસને આપી લીલી ઝંડી