નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાને ડિઝિટલી લોન્ચ કરી હતી. આ સાથે જ આ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો ચૂકવી દીધો હતો. પ્રથમ હપ્તા સ્વરૂપે ખેડૂતોને કુલ 2,021 કરોડ રૂપિયા જાહેર કરી દેવામાં આવી છે. આ યોજનાથી 12 કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની વાર્ષિક ગેરન્ટી આવક થશે, આ કેન્દ્ર સરકારની નવી યોજના છે જેની જાહેરાત 2019ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના તમામ નાના અને ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારોની મદદ માટે લોન્ચ કરવામાં આવી છે. આ ખેડૂત યોજનાનો ઉદેશ્ય ખેતી અને સ્થાનિક જરૂરિયાતોને પુરી કરવામાં આર્થિક મદદ આપવાનો છે.


આ યોજનાનો લાભ એ ખેડૂત પરિવારોને થશે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન ધરાવે છે. એક ફેબ્રુઆરી 2019 સુધી  જે ખેડૂતોના નામ રાજ્યના લેન્ડ રેકોર્ડ્સમાં જોવા મળશે તેમને આ યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારીઓની વાત કરીએ તો મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ક્લાસ-4 અને ગ્રુપ-ડીના કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. નાના ખેડૂત  પરિવારોની વ્યાખ્યામાં એવા પરિવારનો સમાવેશ થાય છે જેમાં પતિ-પત્ની અને 18 વર્ષની ઉંમરના બાળકો હોય અને આ તમામ લોકો સામૂહિક રીતે બે હેક્ટર એટલે કે પાંચ એકર સુધીની જમીન પર ખેતી કરતા હોય. આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો વર્ષમાં ત્રણ વખત આપવામાં આવશે. આ યોજનાનો ફાયદો મેળવનારા ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.