કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા આતંકી ઘટના બાદથી તણાવની સ્થિતિ બની છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્ધારા આ હુમલાની જવાબદારી લીધા બાદથી વડાપ્રધાન મોદી સહિત આખો દેશ ગુસ્સામાં છે. શનિવારે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનો પુરો હિસાબ બરોબર કરવાની ચેતવણી આપી હતી. તો બીજી તરફ આગામી સપ્તાહે કલમ 35-એ પર સંભવિત સુનાવણી અગાઉ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સંવેદનશીલ બની ગઇ છે.


એક રિપોર્ટ અનુસાર આગામી સપ્તાહમાં બંધારણીય કલમ 35-એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ શકે છે અને તે અગાઉ સરકારે અલગાવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને 150થી વધુ લોકોની અટકાયત કરાઇ હતી. શનિવારે કાશ્મીર ઘાટીમાં તણાવભર્યો માહોલ રહ્યો હતો. કાશ્મીરમાં રહેલા તમામ જવાનોની રજા રદ્દ કરી દેવામાં આવી છે.

શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારે ઘાટી વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. અર્ધસૈનિક દળની 100 વધુ કંપનીઓ એટલે કે 10,000 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે પણ સ્થાનિક વહીવટીતંત્રને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હતા. ખાવા પીવાની ચીજો અને દવાનો સ્ટોક રાખવાનો પણ આદેશ અપાયો છે.


સૂત્રો અનુસાર, રિઝર્વ સૈનિકોને અલ્પ નોટિસ પર ફરજ પર હાજર થવા જણાવામાં આવ્યું છે. રક્ષા વિશેષજ્ઞ સી ઉદયભાસ્કરે એનબીટીને કહ્યું કે, એક સાથે 100 કંપનીઓને અહીં મોકલવા અભૂતપૂર્વ છે અને આવું ક્યારેક જ બને છે. સામાન્ય રીતે એક કંપનીમાં સૈનિકોની સંખ્યા 100થી 120 સુધી હોય છે. આમને તાત્કાલિક કાશ્મીર કૂચ કરવાનું કહેવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, આનાથી લાગે છે કે અહીં દુર્ભાગ્યવશ પરિસ્થિતિ એટલી સારી નથી. પુલવામા આતંકી હુમલા બાદ ગાર્ડની ભૂમિકામાં લાગેલા સીઆરપીએફ સિવાય આ કામમાં બીએસએપ, આઈટીબીપીને પણ લગાવવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર, મોટાભાગના જવાનોને લે એન્ડ ઓર્ડર ડ્યૂટીમાં લગાવવામાં આવ્યા છે એવામાં આમાં ફેરબદલ કરવામાં આવી રહ્યું છે.